અલ્બર્ટા-

એક રિસર્ચમાં સાબિત થયું છે કે ઐતિહાસિક પ્રાણી કહેવાતા એવા ડાયનાસોરને પણ કેન્સર થતું હતું. 7.6 કરોડ વર્ષ જૂના ડાયનાસરોના જે હાડકાંને ફ્રેક્ચર સમજવામાં આવી રહ્યું હતું, જે હવે મેલિગનેન્ટ કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ હાડકું વર્ષ 1989માં કેનેડાના અલ્બર્ટામાં ડાયનાસોરના અવશેષ તરીકે મળી આવ્યું હતું. લેન્સેટ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર, શાકાહારી ડાયનાસોરનું આ હાડકું ઓસ્ટિયોસારકોમાના કારણે ખરાબ થયું હતું. આ હાડકાંનું એડવાન્સ કેન્સર ગણાય છે.

અત્યાર સુધી તેને ખરાબ થઈ ગયેલું હાડકું જ સમજવામાં આવતું હતું. પરંતુ તેમાં થયેલું ટ્યૂમર સફરજનના કદથી પણ મોટું છે. ટોરન્ટો સ્થિત રોયલ ઓન્ટારિયો મ્યૂઝિયમના પેલેઓન્ટોલોજિસ્ટ ડેવિડ ઇવાન્સના જણાવ્યા અનુસાર, હાડકું 6 મીટર લાંબું છે. આ હાડકું ક્રેટેશિયસ સમયગાળાનું છે, જ્યારે ચાર પગવાળા ડાયનાસોર શાકાહારી હતા. આ હાડકું તેના નીચેના પગનું છે. તેમાં જોવા મળેલ ગાંઠ એ એડવાન્સ્ડ સ્ટેજની છે અને તે સફરજન કરતાં મોટી છે. લેન્સેટ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, 7.6 કરોડ વર્ષ જુના સેંટોરસોરસ ડાયનાસોર મૃત્યુ પહેલાં કેન્સરના કારણે બહુ નબળું પડી ગયું હતું. રિસર્ચમાં એવી વાત જાણવા મળી છે કે ડાયનાસોરને એવા ઘણા રોગો થયા હશે જે સામાન્ય રીતે મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં હોય છે. તેનું એક ઉદાહરણ ડાયનાસોરમાં જોવા મળેલું કેન્સર છે.