વડોદરા, તા.૮  

વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ૧૫ સબરજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવામાં આવી છે જ્યાં જમીન-ઘર સહિતની સ્થાવર મિલકતોને લગતા દસ્તાવેજાેની નોંધણીનું કામ કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના ઈફેક્ટ છતાં વર્ષ દરમિયાન ૭૮,૭૭૪ દસ્તાવેજાેની નોંધણી થઈ હતી અને તે પેટે સરકારની તિજાેરીને કુલ પ અબજ ૨૬ કરોડની આવક થઈ હતી.

મુખ્ય નોંધણી નિરીક્ષક અજય કુમાર ચારેલના જણાવ્યા પ્રમાણે સન ૨૦૨૦માં કોરોના લૉકડાઉનને લઈને તા.૨૪મી માર્ચથી ૩૦મી એપ્રિલ સુધી એટલે કે ૩૮ દિવસ કચેરીઓ બંધ રહી હતી. ૨૦૨૦ના વર્ષમાં તા.૧-૧થી તા.૨૪-૩ સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાની કચેરીઓમાં ૨૩૪૬૮ મિલકત વિષયક માલિકી પુરાવાને આધાર આપતા દસ્તાવેજાે નોંધાયા હતા જેના લીધે નોંધણી ફી પેટે રૂા.૨૨ કરોડ ૭૧ લાખ ૭૨૮૭૦ની અને તેના માટે અરજદારો દ્વારા જરૂરી ડયૂટીના વપરાશથી ૧ અબજ ૨૯ કરોડ ૯૧ લાખ ૭૭૩૧૧ની મળીને સરકારી તિજાેરીને કુલ રૂા.૧ અબજ ૫૨ કરોડ ૬૩ લાખ ૫૦,૧૮૧ની આવક થઈ હતી.

લૉકડાઉનને પગલે લગભગ ૩૮ દિવસના વિરામ બાદ તા.૧લી મેથી કચેરીઓ નવેસરથી શરૂ થઈ તે પછી વર્ષના અંતે એટલે કે તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં કુલ ૫૫,૫૦૧ દસ્તાવેજાેની નોંધણીથી, જરૂરી નોંધણી ફીના રૂપમાં રૂા.૫૮ કરોડ ૬૯ લાખ ૬૫,૩૩૨ની અને નિર્ધારિત ડ્યૂટીના વપરાશથી રૂા. ૩ અબજ ૧૪ કરોડ ૭૮ લાખ ૨૨,૪૯૨ મળીને કુલ રૂા. ૩ અબજ ૭૩ કરોડ ૪૭ લાખ ૮૭૮૪૧ની આવક થઈ છે.

અજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે હવે આખા વર્ષમાં શહેર અને જિલ્લાની કુલ ૧૫ કચેરીઓમાં ૨૦૨૦ દરમિયાન ૭૮,૭૭૪ દસ્તાવેજાેની અરજદારોએ નોંધણી કરાવી હતી તેના પગલે નોંધણી ફી પેટે રૂા.૮૧ કરોડ ૪૧ લાખ ૭૫,૨૯૨ અને જરૂરી ડ્યૂટીના ઉપયોગ પેટે રૂા.૪ અબજ ૪૪ કરોડ ૭૧ લાખ ૩૬,૪૫૩ મળીને કુલ રૂા. ૫ અબજ ૨૬ કરોડ ૧૩ લાખ ૧૧,૭૪૫ની સરકારી તિજાેરીને આવક થઈ છે.

વડોદરા શહેરમાં વડોદરા ખેતી, દંતેશ્વર, માણેજા, અકોટા, ગોરવા, બાપોદ અને છાણી અને વડોદરા એક મળીને આઠ કચેરીઓ અને શિનોર, કરજણ, ડેસર, ડભોઇ, પાદરા, સાવલી અને વાઘોડિયા તાલુકા મથકોએ સાત મળીને કુલ ૧૫ કચેરીઓ કાર્યરત છે. રાજ્ય સરકારે શહેરમાં વિસ્તાર પ્રમાણે અને દરેક તાલુકા મથક ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરીને લોકોને નજીકમાં જ દસ્તાવેજાેની નોંધણી કરાવવાની સુવિધા આપી છે.