દિલ્લી,

પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજમાં ઘટાડાની પૂરી શક્યતા વચ્ચે હવે પીએફ પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી. હાલ પીએફ પર મળતા 8.5 ટકા વ્યાજમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. દેશમાં હાલ છ કરોડ જેટલા પીએફ ખાતાધારકો છે. આ વર્ષે ઈપીએફઓને પોતાના રોકાણ પર મળેલું વળતર ઘટતા હવે તે 2020-21ના વર્ષ માટેના વ્યાજના દરમાં ઘટાડો કરશે તે નક્કી મનાઈ રહ્યુ છે.

પીએફનો વ્યાજ દર નાણાંકીય વર્ષ 2020માં થયેલી આવકોના આધારે નક્કી કરાતો હોય છે. જાકે તેની ચૂકવણી આ વર્ષ અડધું પૂરું થાય ત્યારે કરવામાં આવશે. ઈપીએફઓની કમિટિની થોડા દિવસોમાં જ મિટિંગ થવાની છે, અને ત્યાર બાદ જ તેના પર મળતા વ્યાજનો દર ચાલુ વર્ષ માટે કેટલો રહેશે તે જાહેર કરાશે.

માર્ચના પહેલા સપ્તાહમાં પીએફ પર 8.5 ટકા વ્યાજ દરની દરખાસ્ત કરાઈ હતી. જેને નાણાં મંત્રાલયે હજુય મંજૂરી નથી આપી. લેબર મિનિસ્ટ્રી નાણાં મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજ દર જાહેર કરતી હોય છે. બીજી તરફ, કેશ ફ્લો ઘટી જવાના કારણે ગયા વર્ષના વ્યાજ દર અનુસાર ચૂકવણું કરવું પણ ઈપીએફઓને ભારે પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં સરકારે કર્મચારીઓ અને માલિકોને ઈપીએફઓના નિયમમાં ઘણી રાહત આપી હતી. જેમાં બેસિક સેલેરીના 12 ટકાને બદલે 10 ટકા પીએફ કાપવાની બાબત પણ સમાવિષ્ટ હતી. અમુક નિશ્ચિત આવક ધરાવતા કર્મચારીઓનો પીએફ સરકારે પોતાના તરફથી ઉમેરવાની પણ જાહેરાત કરી હતી. એપ્રિલ અને મે મહિનામાં જ ઈપીએફઓએ 3.61મિલિયન ક્લેમ સેટલ કરીને 11,540 કરોડ ચૂકવ્યા હતા.