વડોદરા : કોવિડ-૧૯ની ગાઇડ લાઇન સાથે બજારો ખોલવાની આપવામાં આવેલી મંજૂરીના પગલે બજારો ખુલતા જ લોકો લગ્નસરાની ખરીદી સહિતની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. જોકે, સામાન્ય દિવસો કરતો આજે બજારોમાં નહિંવત ભીડ જોવા મળી હતી. તેમ છતાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર ફરનાર ૮૬૨ લોકોને પકડીને તેમની પાસેથી ૮.૬૨ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા શનિવારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર અને માસ્ક પહેર્યા વગર વેપાર કરનાર વેપારીઓની દુકાનો ઉપર સીલ મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે હાહાકાર મચી ગયો હતો. વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિક રાજકીય અગ્રણીઓને રજૂઆત કરી બજારો બંધ ન રાખવા અપિલ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા કોવિડ-૧૯ના નિયમોને આધિન સોમવારે બજારો ખોલવા માટે મંજૂરી આપી હતી. બજારો ખોલવાની મંજૂરી મળ્યા બાદ પણ જાહેરમાં માસ્ક વગર ફરી રહેલા ૮૬૨ લોકોને વિવિધ પોલીસમથકની ટીમો દ્વારા ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ૮.૬૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રી કર્ફ્યુના ઉલ્લંઘન બદલ ૧૩ લોકોને પકડીને તેમની વિરુદ્ધ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.