વડોદરા : એમ.એસ.યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સની વિદ્યાર્થીની દ્વારા વડોદરા જિલ્લામાં ગુલાબની ખેતી કરતા ખેડૂતો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦%થી વધુ ખેડૂતો વિવિધ શારીરિક તકલીફોથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. સંશોધનમાં ભાગ લેનાર તમામ ખેડૂતોમાં ગરદન, ખભા, કમર, પીઠ તેમજ ઘૂંટણોનો સતત દુખાવો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.  

ગુલાબના ફૂલ અન્ય ફૂલોની સરખામણીએ વધારે મહત્વ અને વડોદરા શહેર-જિલ્લામાં તેની વધારે પડતી માંગ હોવાથી ખેડૂતોમાં તેનું વાવેતર વધુ પ્રસિદ્ધ બન્યું છે. ગુલાબની ખેતી દરમ્યાન ખેડૂતોએ સતત પરિશ્રમ કરવો પડતો હોવાથી એમ.એસ.યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સની વિદ્યાર્થીની એલિઝા ઉપાધ્યાય દ્વારા ગુલાબના વાવેતરથી લઈને લણણીની પ્રક્રિયા દરમ્યાન ખેડૂતોના શરીર પર શું અસર પડે છે. તે અંગે શંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં વડોદરા જિલ્લાના પસંદગીના ગુલાબના ખેતરોમાં કામ કરતા ૧૦૦થી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. પસંદ કરાયેલા ખેડૂતોની ઉંમર ૨૧થી ૬૮ વર્ષની હતી. જેઓ છેલ્લા ૨થી લઈને ૧૭ વર્ષ સુધી ગુલાબની ખેતી સાથે સંકળાયેલા હતા.

સંશોધન દરમ્યાન જાણવા મળ્યું હતુંકે, ગુલાબના વાવેતર દરમ્યાન ૯૦% ખેડૂતોને પીઠ અને કમરમાં સતત દુખાવો રહેતો હોય છે. જ્યારે ૭૮% જેટલા ખેડૂતોને ગરદનમાં દુખાવો રહેતો હતો. જ્યારે, ૮૮% જેટલા ખેડૂતોને બંને પગોમાં અને ૮૫% ખેડૂતોને થાપા પર દુખાવો રહેતો હતો. જ્યારે ગુલાબની લણણી દરમ્યાન ૪૩% જેટલા ખેડૂતોને પીઠમાં તેમજ કમરમાં અને ૪૧.૬૭% ખેડૂતોને ગરદનમાં અસહ્ય દુખાવો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર સંશોધન દરમ્યાન ૯૦%થી પણ વધારે ખેડૂતોને નાનીમોટી શારીરિક તકલીફો લાંબાગાળા સુધી રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં કમરની નીચેના ભાગમાં સૌથી વધુ તકલીફો લાંબા સમય સુધી રહેતી હોવાનું જાણવા મળ્યું છે.