અમદાવાદ, ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓ ખૂલી ગઈ છે. ત્યારે હવે અન્ય ધોરણોની શાળા ક્યારે શરૂ થશે તે અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટા સંકેત આપ્યા છે. રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ધોરણ ૯ અને ૧૧ની શાળાઓ શરૂ થઈ શકે છે. ૨૭ તારીખે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરાશે. કેબિનેટમાં ચર્ચા કર્યા બાદ શાળા ખોલવા અંગે ર્નિણય લેવાશે. તેમણે વધુમાં કહ્યું કે, શાળાઓમાં હાલ નોર્મલ સ્થિતિ જાેવા મળી છે. ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ સપ્તાહમાં ૩૫થી ૪૦ ટકા હાજરી જાેવા મળી હતી. બીજા સપ્તાહમાં વિદ્યાર્થીઓની ૫૫ ટકા સુધી હાજરી પહોંચી છે. લાંબા વેકેશન બાદ શાળાઓમાં સ્થિતિ નોર્મલ થઈ રહી છે. તેથી કેબિનેટ બેઠકમાં ર્નિણય કર્યા બાદ ધોરણ ૯ અને ૧૧ના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગ કરાઈ છે. 

આજે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિયેશનના ગુજરાતના હોદ્દેદારો શિક્ષણમંત્રીને મળ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી તેવું હોદ્દેદારોએ જણાવ્યું. શાળા શરૂ થયા બાદ ક્લાસિસ શરૂ થવા બાબતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે ર્નિણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લઇ ક્લાસિસ શરૂ કરી શકાશેનો સંકેત શિક્ષણમંત્રીએ આપ્યો છે. તો બીજી તરફ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને આજે પાણી ન મળતા પરેશાન મહિલાઓના મિજાજનો પરચો મળ્યો. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે પીવાના પાણી માટે યોજનાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં બાવળિયા સહિતના નેતાઓ હાજર હતા.

યોજનાના ખાતમુહૂર્તમાં હાજર મહિલાઓએ મંત્રીને સવાલ કર્યા કે, શરૂઆત તો કરી પરંતુ તેમના સુધી પાણી ક્યારે પહોંચશે, કામ ક્યારે પુરું થશે? જાે કે, મંત્રીએ મહિલાઓને ખાતરી આપી કે છ મહિનામાં કામ પુરું થઈ જશે. અને તેમને પાણી મળતા થઈ જશે. મહત્વનું છે કે, પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. જેના કારણે મહિલાઓ પરેશાન છે. જેમના રોષનો ભોગ આજે ધારાસભ્યએ બનવું પડ્યું. કુંવરજી બાવળિયા મામલે ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાના, પાણીના કામો થયા છે. લોકોની સુખાકારીના તમામ કામો કરવામાં આવી રહ્યા છે, આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ જીતશે, પારડી ગામની મહિલાઓના વીડિયો મામલે રાજકોટના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા.