અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઈજાગ્રસ્ત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્ક્યૂ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વીડિયો કોન્ફરન્સથી નિરીક્ષણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું. તેમણે કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તથા સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા. ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશો પણ આપ્યા છે. કરૂણા અભિયાન દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 50,000થી વધુ અબોલ પક્ષી, પ્રાણીઓના જીવ આપણે બચાવી શક્યા છીંએ. ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા 2017થી વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીંએ. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુ-પંખીઓના જીવ બચાવવાનું કાર્ય કરે છે.