વડોદરા, તા.૨૦

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉપદ્રવ મચાવતો ૧૦ થી ૧૧ ફૂટનો મગર અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. જીએસપીસીએ દ્વારા વન વિભાગની મદદથી પાંજરું મુકવામાં આવ્યું હતું. આજે સવારે ૧૯ ફૂટનો મગર પાંજરે પુરાતાં લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોવાથી અવારનવાર મગરો બહાર આવી જવાના બનાવો બને છે. તેમાંય વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કારેલીબાગ જલારામનગર, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની આસપાસના વિસ્તારોમાં અનેક વખત મગરો આવી જવાના બનાવો બને છે. થોડાં સમય પહેલાં કારેલીબાગથી તુલસીવાડી જતા માર્ગ પર લગ્નપ્રસંગ દરમિયાન ૧ર ફૂટનો મગર મંડપ સુધી ધસી આવ્યો હતો, તેને ભારે જહેમત બાદ રેસ્કયૂ કરાયો હતો.

ત્યારે તુલસીવાડી વડેશ્વર હનુમાન મંદિર પાસેથી વિશ્વામિત્રી નદીનું નાળંુ પસાર થાય છે. તેમાંથી એક મોટો મગર બહાર આવીને પશુનું મારણ કરે છે અને ભૂંડ, કૂતરા, બકરાં વગેરેનો શિકાર કરે છે આ અંગેની જાણ કરાતાં જીએસપીસીએ દ્વારા વન વિભાગની મદદથી પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે સવારે ૧૦ ફૂટનો મહાકાય મગર પાંજરે

પુરાયો હતો.