વડોદરા : શહેરના હરણી મોટનાથ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સના પાર્કિંગ શેડમાં આજે સાંજના સમયે આગ ફાટી નીકળતા શેડમાં પાર્ક કરવામાં આવેલ ૧૬ ટૂ-વ્હીલર અને બિલ્ડિંગના તમામ ઇલેક્ટ્રિક મીટર બાળીને ખાખ થઇ ગયા હતા. એક સાથે ૧૬ ટૂવ્હીલરોમાં આગ લાગતા ધુમાડો ચાર માળ ઉપર સુધી પહોંચ્યો હતો. જોકે, શહેરના ત્રણ ફાયર સ્ટેશનના લાશ્કરો દ્વારા કોમ્પ્લેક્ષમાં રહેતા ૮ પરિવારને રેસ્ક્યુ તેમજ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હરણી મોટનાથ રોડ પર દેવાશીષ નામનું એક કોમ્પ્લેક્ષ આવેલુ છે. આ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. આજે મોડીસાંજે પાર્કિંગના શેડમાં એકાએક ધડાકા સાથે આગ ફાટી નીકળતા કોમ્પ્લેક્ષમાં રહેતા ૮ પરિવારોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી પાર્કિંગ શેડમાં પાર્ક કરેલા ૧૬ ટૂ વ્હીલર સળગવા લાગ્યા હતા. જેના કારણે વધુ બે ફાયર સ્ટેશનના લાશ્કરોની મદદ લેવામાં આવી હતી. આગને કારણે ધુમાડો કોમ્પ્લેક્ષના ચાર માળ સુધી પહોંચી ગયો હતો. જેને કારણે ફાયર બ્રિગેડ દ્વારા કોમ્પ્લેક્ષમાં રહેતા તમામ ૮ પરિવારોને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ લાશ્કરોની અન્ય એક ટીમ દ્વારા પાર્કિંગ શૅડમાંની આગ પર કાબૂ મેળવ્યો હતો. પાર્કિંગ શેડમાં સળગીને ખાખ થઇ ગયેલા ટૂ વ્હીલરોની બાજુમાં જ કોમ્પ્લેક્ષના તમામ ઇલેક્ટ્રિક મીટરો આવેલા હોવાથી બાઇકમાં ઓવરહિટિંગને કારણે આગ લાગી હશે કે પછી ઇલેક્ટ્રિક મીટરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.