વડોદરા

શહેર નજીક કેલનપુર ગામે એક મકાનના વાડામાં મગર આવી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેેસ્કયૂ ટ્રસ્ટને કરાતાં સંસ્થાના કાર્યકરોએ ૪.૫ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.

આજે સવારે સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર કેલનપુર ગામમાંથી પ્રતાપસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો કે એક મગર ઘરના વાડામાં આવી ગયો છે. આ ફોન આવતાંની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને વડોદરા વન વિભાગના શૈલેષ રાવલ સ્થળ પર પહોંચી ગયા હતા અને એક સાડા ચાર ફૂટનો મગર વાડામાં ફરતો જોવા મળ્યો હતો, જેને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.