સેલવાસ-

કેટલીક ઘટનાઓ એટલી હદે ઘૃણાસ્પદ હોય છે કે, માનવતા પણ લાજે છે. સેલવાસમાં બનેલી એક માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા પણ આવી જ એક ઘટના છે. સેલવાસ પાસે નરોલીમાં એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે પાડોશી આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સને તેના કરતૂતો અને છેડતીની બાબતે અગાઉ પણ લોકોએ માર માર્યો હતો. સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે અને હત્યારાને કડક સજા કરાય એવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

સેલવાસના નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની 3 વર્ષની બાળકી ગુમ થઈ હતી. ઘટના બાદ પરિવારે આસપાસ બાળકીની શોધખોળ ચલાવી હતી, છતાં બાળકી મળી ન હતી. તો સાથે પાડોશીઓએ પણ બાળકીની શોધ કરી હતી, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા બિલ્ડીંગમાં રૂમ નંબર 109 ના બાથરૂમના બાજુએ કંઈક શંકાસ્પદ દેખાયું હતું. બાથરૂમના બારીના કાચ તૂટેલી હાલતમાં હતી. જેથી પોલીસની શંકા વધી હતી. ત્યારે બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાળકીને હત્યા ખૂબ જ ઘાતકી રીતે કરાઈ હતી અને લાશને સગેવગે કરવા માટે તેને કોથળામાં ભરી દેવાઈ હતી. 

આ બાબતે પોલીસે રૂમ નંબર 109 માં રહેતા સંતોષ નામના શખ્સની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. આ બાળકીની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી લાશને સગેવગે કરી હતી. તેણે પોતાના બાથરૂમની બારીનો કાચ તોડી વચ્ચેની જગ્યાએથી બાળકીની લાશને ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી સંતોષની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.