સુરત-

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે ઊભી છે એવા સમયે પાટીદાર સંગઠન પાસ અને કોંગ્રેસ વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી જતાં કોંગ્રેસના મહામંત્રીપદેથી જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં માનો કે ઊભરો આવી ગયો છે. મેવાસાએ કહ્યુંં હતું કે, પોતાના સમાજને અન્યાય થતો તેઓ જોઈ શકે તેમ ન હોવાને પગલે તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 

તેમણે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ મૂક્યો હતો કે, તે પાટીદારોનું ઋણ ભૂલી ગઈ છે. પાટીદારોને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને એમ કરવા માટે જ કોંગ્રેસના નેતાઓ પાછલા બારણે ભાજપની સાથે મળી ગયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. 

મેવાસાએ કહ્યું હતું કે, અહીં વેન્ટીલેટર પર રહેલી કોંગ્રેસને બચાવવાનું કામ તેમણે કર્યું હતું. તેમણે ટોણો મારતા કહ્યું હતું કે, ગાડા નીચે કુતરું ચાલતું હોય તો તેને લાગે છે કે, ગાડું એ જ હાંકે છે. જો કે, ચૂંટણીના પરીણામો આવશે ત્યારે ખબર પડી જશે કે, ખરેખર ગાડું કોણ હાંકે છે. ચૂંટણી દરમિયાન મેન્ડેટ આપવામાં અમારી સલાહ નહોતી લેવાઈ. અમે ઘણું કરી બતાવ્યું છે. સુરતમાં અમિત શાહની સભા અસફળ કરી શકાય તો ઘણું કરી શકાય. તેમણે કહ્યું હતું કે, પટેલ સમાજ, અલ્પેશ કથિરીયા અને હાર્દિક પટેલ અમારા હિરો છે અને તેઓ જેમ કહેશે તેમ જ થશે. તેમણે ઈશારો કર્યો હતો કે, આ ડેમેજનો ફાયદો આપ પાર્ટીને પણ થઈ શકે છે.