વડોદરા

બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં એમ.એસ.યુનિ.ને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું, તેનો સ્વીકાર નહીં કરાતાં આજે એજીએસયુ દ્વાર યુનિ. ડી.એન.હોલ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ સ્થિત બીસીએની કેબિન પરના સિમ્બોલ અને લખાણ પર કાળો રંગ લગાવીને વિરોધ કર્યો હતો.

એમ.એસ.યુનિ.ને સભ્યપદ નહીં આપવામાં આવતાં યુનિ. જીએસ તેમજ વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

સર સયાજીરાવ ગાયકવાડની દેન એવી બીસીએના વહીવટકર્તાઓ દ્વારા અંગત સ્વાર્થ સાથે એમ.એસ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરવા માટે સિન્ડિકેટ સભ્યના સભ્યપદનો અસ્વીકાર કરાતાં એજીએસયુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, યુનિ. અને બીસીએ બંને પર વડોદરાની જનતાનો અધિકાર છે. બીસીએ કોઈ ખાનગી પેઢી નથી. ગાયકવાડ પરિવાર દ્વારા યુનિ.ને સ્થાપના સમયે સભ્યપદ આપવામાં આવ્યું હતું. જ વિદ્યાર્થીઓના હિત માટે અપાયું હતું. જાે બીસીએમાં યુનિ.ને સ્થાન આપવામાં નહીં આવે તો યુનિ.માં આવેલ ડીએમ હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામાં નહીં આવે અને બીસીએની ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બીસીએએ આ અંગે નવા બંધારણ મુજબ પ્રતિનિધિની જાેગવાઈ નથી. જાે કે, તાજેતરની સિન્ડિકેટમાં મયંક પટેલની બીસીએમાં પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી હતી.