અમદાવાદ-

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી જતા દ્વારકા, નલિયા, ઓખા, કંડલા સહિતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો એકાદો ડિગ્રી જેટલો નીચે ઉતાર્યો છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા પણ વધી છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગર અને વલસાડમાં 13 ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટમાં 15.4 કેશોદમાં 14.5 ભાવનગરમાં 17.9 પોરબંદરમાં 17.2 વેરાવળમાં 19.8 દ્વારકામાં 20.8 ઓખામાં 22.6 ભુજમાં 17.2 નલિયામાં 14.3 સુરેન્દ્રનગરમાં 16.9 કંડલામાં 17 અમરેલીમાં 15 મહુવામાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. 

દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે ભેજનું પ્રમાણ જોરદાર રીતે વધી ગયું છે .દ્વારકામાં 91 ઓખામાં 88 નલિયામાં 84 કંડલામાં 80 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત નીચે ઊતરી રહ્યો છે અને તેના કારણે ઠંડીનુ જોર દિવસો દિવસ વધી રહ્યું છે. આજે હિમાલયનું રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાતાની સાથે જ કાશ્મીર ,લડાખ સહિતના વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારમાં આગામી તારીખ 7 ના રોજ બીજું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.