સુરત, સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર ફરી એકવાર બોગસ કૉલ સેન્ટર ઝડપાયું છે. છેલ્લા ચાર માસમાં આ બીજા કૉલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસના દરોડાં દરમિયાન કૉલ સેન્ટર ખાતેથી ૩૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. દાંડી રોડ પર ચાલતું આ કૉલ સેન્ટર રાંદેરના ફિરોઝ મેમણ ની માલિકીનું હોવાનું સામે આવ્યું છે. આ કૉલ સેન્ટરમાંથી લોકોને કૉલ કરી અલગ અલગ સ્કીમ બતાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન માલુમ પડ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મોડી રાત્રે કાર્યવાહી કરી છે. સુરતમાં કૉલ સેન્ટર મારફતે લોકો સાથે છેતરપિંડી કરવાની સતત બની રહેલી ઘટના વચ્ચે પોલીસે ચાર માસમાં બીજા કૉલ સેન્ટર પર દરોડો કર્યો છે. 

 જહાંગીરપુરા કેનાલ રોડ પર ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણ નામના ઈસમે ફરી કૉલ સેન્ટર શરૂ કરી લોકોને ઠગવાની શરૂઆત કરી હોવાની વિગત સામે આવી હતી. આ વખતે કૉલ સેન્ટર દાંડી રોડના નિર્વાણા કોમ્પ્લેક્ષમાં ચાલતું હોવાનું સામે આવતા પોલીસે ગતરોજ મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કૉલ સેન્ટરમાં રોકાણના નામે લોકોના પૈસા ઉસેટી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડીને ૩૫ લોકો ઉપરાંત લેપટોપ, પીસી અને અન્ય સાધનો કબજે કર્યા હતા. કૉલ સેન્ટર ચલાવતો ઈસમ ફિરોઝ પોતાની મોડ્‌સ ઓપરેન્ડી મુજબ ફરી એકવાર લોકોને ઠગવા માટે રોકાણની સારી સારી સ્કીમો બતાવતો હતો.ટિપ્સ આપવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહ્યા બાદ રોકાણકારને અંગુઠો બતાવી દેતો હતો. પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ પણ આ જ વિસ્તારમાં સેન્ટર પકડાયું હતું અને ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણ જ ચલાવતો પકડાયો હતો. જાેકે, ચાર જ મહિનામાં ફિરોઝે જહાંગીરપુરામાં ફરી કોલ સેન્ટર ધમધમતું કરી દીધું હતું.