ગાંધીનગર-

રાજયમાં ભારે વરસાદથી તરબોળ થયેલા ગુજરાતમાં હાલ ચોમેર પાણી પાણી છે. જેમાં નર્મદા નદીને કારણે ભારે તારાજી સર્જાઈ છે. તો સૌરાષ્ટ્રની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આવામાં રાજ્ય માટે રાહતના સમાચાર  આવ્યા છે. વરસાદ મામલે રાજ્ય માટે મોટા સમાચાર આવ્યા છે કે, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઇ છે. હવે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી નહીવત છે. ત્યારે ગુજરાત પરથી હાલ વરસાદનું ટોળાટું સંકટ ટળ્યું છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક ધોવાયો છે. એટલું જ નહીં ખેતરોમાં સતત પાણી ભરાયેલા હોવાથી પાકને ખૂબ નુકસાન થયું છે. 

રાજ્યમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 104 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં સૌથી ઓછો 88.50 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 103 ટકા વરસાદ પડ્યો છે.