રાયગઢ-

મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત થયો છે. રાયગઢ જિલ્લાના મહાડમાં સોમવારે સાંજે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં 50 લોકો ફસાય હોવાની સંભાવના છે. આ ઘટના કાજલપુરા વિસ્તારની છે. હાલમાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળમાંથી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રારંભિક માહિતી અનુસાર, રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની આ પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં આશરે પાંચ લોકો ભંગારમાં ફસાય હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે એવું માનવામાં આવે છે કે તેમાં દફનાવવામાં આવેલા લોકોની સંખ્યા હજી વધુ હોઈ શકે છે. હાલ પૂરતી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. લાઇટ વગેરે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને જોતા પૂણેથી એનડીઆરએફ (રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ) ની બે ટીમો સ્થળ પર રવાના થઈ છે. સવાલ એ ઉભો થાય છે કે બિલ્ડિંગ એકદમ નવી છે, તે કેવી રીતે તૂટી પડી? આ ઘટના અંગે જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ 10 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. બિલ્ડિંગમાં ટોચનાં ત્રણ માળ પડી ગયા છે. એવું માનવામાં આવે છે કે આ બિલ્ડિંગમાં 50-60 લોકો ફસાઈ શકે છે. જો કે, નક્કર માહિતી પછીથી મળશે.