રાજકોટ-

રાજકોટના સરધાર પાસે આવેલા હરિપર ગામે અમદાવાદના ચાર શખ્સ કોલ સેન્ટર ચલાવતા હતા. આજે રાજકોટ આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં ચારેય શખ્સની ધરપકડ કરાઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ચારેય શખ્સ અમેરિકાના નાગરિકોનો ડેટા એકત્ર કરી લોન માટે ફોન કરતા હતા. બાદમાં ટેક્સનાઉ અને ૮*૮ નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. હજારો ડોલરની છેતરપિંડી કર્યાનું ખૂલ્યું છે. ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ બાદ વધુ પૂછપરછમાં અન્ય માહિતી ખૂલશે તેવું પોલીસે જણાવ્યું હતું.

ચારેય આરોપીમાં ૨૦ વર્ષીય મનોજ સત્યરામ શર્મા (ધો. ૧૧ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે અને મૂળ ઉત્તરપ્રદેશનો અને ઘણા સમયથી અમાદાવાદના નારોલમાં રહે છે), ૨૦ વર્ષીય રતન શત્રુઘ્ન (મૂળ બિહારનો અને હાલ અમદાવાદ રહે છે, અંગ્રેજી માધ્યમમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો), ૨૦ વર્ષીય વીકી સંજયસિંહ (મૂળ બિહારનો અને અમદાવાદમાં રહે છે, ધો. ૧૨ સુધી અગ્રેજી માધ્યમમાં ભણ્યો છે) અને અમદાવાદમાં રહેતો સાહિલ અરવિંદ ઓડ (બી.કોમ અંગ્રેજી માધ્યમમાં કર્યુ છે)નો સમાવેશ થાય છે. મોટાભાગના આરોપી અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા છે.

એસઓજી પીઆઇ આર.વાય. રાવલના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પહેલા અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી લેતા. ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર કરી આવા નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાય અમેરિકા સ્થિત એસ.કેશ.એક્સપ્રેસ તથા સ્પીડકેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક અમેરિકન નાગરિકોને ભારતમાંથી ટેક્સનાઉ તથા ૮*૮ વર્ક નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. લોન આપી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના સિક્યુરિટી નંબર છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગીફ્ટ વાઉચર ખરીદી અનેક અમેરિકન નાગરિકો સાથે હજારો ડોલરની છેતરપિંડી કરી ચૂક્યા છે.