રાજકોટ-

દેશભરમાં અનેક ઠેકાણે કંપની માટે સર્વિસના નામે અનેક ઠેકાણે એવા કોલ સેન્ટરો ચાલે છે, જે અપરાધી ષડયંત્ર આચરીને દુનિયાભરના દેશોમાં નિર્દોષ નાગરીકોને શિકાર બનાવીને પૈસા પડાવે છે. આવા જ એક વધુ કોલ સેન્ટરને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડીને એ ચલાવનારા 7 અપરાધીઓને ઝબ્બે કરી લીધા છે. 

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યાનુસાર આ કોલ સેન્ટર ચલાવતી ગેંગ બે જૂદી જૂદી એપ્લિકેશન દ્વારા દેશના અને દુનિયાના અનેક નાગરીકો પાસે નાણાં પડાવતી હતી. આ ગેંગ લોકોને ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરતી હતી. આ અપરાધમાં જે લોકોની ધરપકડ થઈ છે, તેમાં લતીફ નરીવાલા, આમીર નરીવાલા, નશરુલ્લા પારુડિયા, કાજલ મકવાણા, કોમલ પ્રાગડા, પૂજા સોલંકી અને સાહિસ્તા તુંપીનો સમાવેશ થાય છે. રાજકોટ સરકીટ હાઉસ પાસેના સ્ટાર પ્લાઝામાં ચોથા માળે આ કોમ્પલેક્સ ચાલતું હતું. પોલીસને આ બાબતની માહિતી મળતાં દરોડા પાડીને સાતની ધરપકડ કરી લીધી હતી. આ ટોળકી ફોરેક્સ ટ્રેડિંગની લાલચ આપીને દેશ-દુનિયાના અનેક શખ્સોને તેમાં રોકાણ કરાવી નાણાં પડાવી લેતી હતી. આવી છેતરપિંડી બદલ પોલીસે તેમની ધરપકડ કરીને મામલાની વધુ તપાસ હાથ ધરી છે.