રાજકોટ-

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે હજી અનેક ઠેકાણે ઉમેદવારી બાબતે અસમંજસ પ્રવર્તી રહી છે. રાજકોટમાં આવા જ એક સંવેદનશીલ કેસમાં એમ મનાય છે કે, તાલુકા પંચાયતના ફોર્મ પાછું ખેંચનાર ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઝેરી દવા પી લીધી હતી. તેમણે એક દિવસ પહેલા પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું.  ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. જોકે, ચિરાગ દેસાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી તે હજી રહસ્ય જ બની રહ્યું છે. 

ઝાંઝમેરની તાલુકા પંચાયતની બેઠક ધોરાજી અંતર્ગત આવે છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ રમેશભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. એક દિવસ અગાઉ તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. ઝાંઝમેર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. આમ, કોંગ્રેસની પ્રથમ બેઠક બિનહરીફ વિજેતા બની છે. ઉમેદવારી પરત ખેંચવાના બીજા જ દિવસે ડો. ચિરાગ દેસાઈએ ઝેરી દવા પીધી હતી.

દવા પી લેનારા ચિરાગ દેસાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો. ચિરાગ દેસાઈએ એવા કારણથી જ દવા પી લીધી હશે એમ તેમના પિતાનું માનવું છે.