વડોદરા, તા.૨૧

વડોદરા શહેરમાં રસ્તે રખડતી ગાયોને લીધે રોજબરોજ થતાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે તેવા સમયે વડોદરા પાલિકાએ ગાયોને રસ્તે રખડતી છોડી મૂકતાં લોકોના જીવનું જાેખમ ઊભું કરતાં ગૌપાલકો પૈકી બે ગૌપાલકો વિરુદ્ધ પાલિકાની ઢોરપાર્ટીના અધિકારીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના દિવાળીપુરા ગદાપુરા ભરવાડ વાસમાં રહેતા વાલાભાઈ રઘાભાઈ ભરવાડે તેની ગાયોને શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતી છોડી મૂકી હતી. આ દરમિયાન તેમની બે ગાયો ગોત્રી ઈસ્કોન મંદિર પાસેથી પાલિકાની ઢોરપાર્ટીએ પકડી હતી. આ પકડાયેલી ગાયોના કાન પર લગાવેલા અલગ અલગ બે ટેગ નંબરો જાેવા મળ્યા હતા. આ ટેગ નંબરના આધારે ગાયોના માલિકની તપાસ કરતાં નામ-નંબરના આધારે ગદાપુરા ભરવાડ વાસમાં રહેતા ગાયોના માલિક વાલાભાઈ ભરવાડનું નામ ખૂલ્વા પામ્યું હતું.

જેના આધારે પાલિકાના ઢોરપાર્ટીના અધિકારી વિજય પંચાલે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૌપાલક વાલાભાઈ ભરવાડ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રસ્તે રખડતાં ઢોરોને કારણે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના ઢોરપાર્ટીના તંત્રે ગૌપાલકો સામે લાલ આંખ કરી ગાયો પકડવાની સાથે સાથે કડક કાર્યવાહી કરતાં ગૌપાલકોમાં ફફડાટ વ્યાપી

ગયો છે.