ભરૂચ, ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વડદલા નજીકની હોટલના પાર્કિંગ માથી થતાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી રૂા. ૧૧.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચની નર્મદા વેલી ફટીલાઇઝર્સ એંડ કેમિકલ લિમિટેડ કંપની ય્દ્ગહ્લઝ્રમાંથી ઇથાઈલ એસીટેટ કેમિકલનો ૯.૪૪૫ મેટ્રિક ટન જથ્થો ટેન્કર નંબર-જી.જે.૦૬.યુ.૮૧૭૭નો ચાલક કમલેશકુમાર રાજકુમાર બિંદ પાદરાના લુનાગામ ખાતે આવેલ અમોલી ઓર્ગેનિક્સ કંપનીમાં જવા રવાના થયો હતો. તે દરમિયાન ટેન્કર ચાલક વડદલા ગામની સામે આવેલ પાર્કિંગમાં ટેન્કર લઈ ગયો હતો અને સીલ તોડી ચાર કારબામાં ૨૦-૨૦ લિટર કેમિકલ સગેવગે કરતાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે તેને ઝડપી પાડ્યો હતો .

પોલીસે ચાર કારબા ભરેલ કેમિકલ અને એક મોબાઈલ ફોન તેમજ ૫ લાખનું ટેન્કર સહિત કુલ ૧૧.૯૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સુરમિયા સોસાયટીમાં રહેતા ટેન્કર ચાલક કમલેશકુમાર બિંદની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તાર ઔદ્યોગિક એકમો ધરાવે છે. વિવિધ કેમિકલ મળતાં હોવાથી અહીં તેની ચોરીની શક્યતા વધુ રહે છે. શુકવારે વધુ એક કેમિકલ ચોરી બહાર આવતાં ધંધાકીય એકમોમાં ચર્ચા થઇ હતી. પોલીસે આજની ઘટનામાં ટેંકર ચાલકની ધરપકડ કરી હતી અને રૂા.૧૧.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે આ ઓપરેશન બહાર પાડ્યું હતું.