માંડવી, તા.૧૪ 

માંડવીના ખંજરોલી ગામે તાપી નદીમાં નહાવા ગયેલ ૩ વર્ષીય બાળક ઊંડા પાણીમાં જતો રહેતા પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. તેના પિતા તેને શોધતા શોધતા ત્યાં આવી ગયા હતા.

પરંતુ તેમનો બાળક ત્યાં મૃત અવસ્થામાં મળ્યો હતો.માંડવી તાલુકાના ખંજરોલી ગામે ટેકરી ફળિયામાં રહેતો પિયુષ બહાદુરભાઈ રાઠોડ (ઉં. વ. ૩) ગામની નજીકથી પસાર થતી તાપી નદીમાં નહાવા ગયો હતો. નદીના એક ખાડામાં તે નહાતો હતો તે દરમ્યાન ત્યાં કોઈ ઊંડાણ વળી જગ્યાએ પહોંચી જતા પિયુષ તે પાણીમાં ડૂબી ગયો હતો.

ઘણા લાંબા સમયથી પિયુષ ઘરે ન મળી આવતા તેના પિતા તેને શોધવા ગયા હતા અને પિયુષના મિત્રોને “પિયુષ ક્યાં છે” એમ પૂછતાં તેઓએ પિયુષ નદીમાં નહાવા ગયો હોવાનું જણાવ્યું હતું. તેના પિતા તાત્કાલિક તાપી નદીના કિનારે ગયા તો ત્યાં નદીના એક ખાડામાં તેના પુત્ર પિયુષનો મૃતદેહ પાણીમાં ડૂબેલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક કડોદ દામોદર હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ વાતની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાય હતી. બાળક ડૂબી જતાં માતમ છવાઇ ગયો હતો.