વડોદરા-

એમ.એસ.યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓમાં ચાલતા તમામ અભ્યાસક્રમોમાં ૧૦% સીટો વધારવા માટે આજરોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દ્વારા તમામ ફેકલ્ટીઓના ડિન સાથે બેઠકો યોજીને સીટો વધારવા અંગેની કામગીરી કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એમ.એસ.યુનિવર્સીટીની ૧૩ ફેકલ્ટી અને સંલગ્ન ૪ કોલેજો દ્વારા ૧૦૦થી વધુ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જોકે, યુનિવર્સીટીની લોકપ્રિયતામાં થઇ રહેલો વધારો અને નવા એડમિશન માટે વધી રહેલા વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખીને છેલ્લા ઘણા સમયથી યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓના તમામ કોર્સમાં સીટો વધારવા અંગેનો મુદ્દો ચર્ચામાં હતો. નવા શૈક્ષણિક સત્રથી યુનિવર્સીટી દ્વારા ચલાવવામાં આવતા તમામ કોર્ષોમાં સીટો વધારવી કે કેમ? તે અંગેનો મુદ્દો આજરોજ મળેલી સિન્ડિકેટની બેઠકના એજન્ડામાં મુકવામાં આવ્યો હતો. જેને મોટાભાગના સિન્ડિકેટ સભ્યોએ મંજૂરી આપતા હવે યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટી દ્વારા આગામી દિવસોમાં દરેક ફેકલ્ટી ડીન સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં ફેકલ્ટી દ્વારા ચલાવવામાં આવતા તમામ કોર્ષોમાં હાલમાં કેટલી બેઠક છે અને હજુ કેટલી બેઠક વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. જેનો રિપોર્ટ આગામી સિન્ડિકેટની બેઠકમાં મુકવામાં આવશે. જ્યારબાદ ફેકલ્ટીઓમાં સીટવધારા અંગે ર્નિણય લેવામાં આવશે. આ ઉપરાંત પીએચડી ની ફી અંગેનો મુદ્દો, તમામ ફેકલ્ટીઓમાં રિસર્ચ સેલ તેમજ કોમ્પ્યુટર સેન્ટર શરુ કરવાનો મુદ્દો આજરોજ મળેલી સિન્ડિકેટની બેઠકના મુખ્ય મુદ્દાઓ હતા. જેને લઈને યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્યોએ ચર્ચા કરી હતી.

૨જી નવે.થી સાયન્સ ફેકલ્ટીના ઓનલાઇન ક્લાસ શરુ થશે

એમ.એસ,યુનિવર્સીટીની મોટાભાગની ફેકલ્ટીઓ દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરુ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે સાયન્સ ફેકલ્ટીની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણતાને આરે હોવાથી ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા આગામી ૨જી નવેમ્બરથી વિદ્યાર્થીઓના ઓનલાઇન વર્ગો શરુ કરવાની જાહેરાત કરી દેવાઈ છે. એકતરફ સાયન્સ ફેકલ્ટી દ્વારા કરાયેલી આ જાહેરાત અને બીજી બાજુ યુનિવર્સીટી સત્તાધીશોમાં નવેમ્બરમાં દિવાળી વેકેશન આપવા અંગેની મંત્રણા વચ્ચે વિદ્યાર્થીઓ અટવાઈને રહી જાય તેવી સમસ્યા ઉભી થઇ છે.