વડોદરા : ઉદેપુર જઈ રહેલા મુંબઈના કન્સલ્ટન્ટ યુવકને ચાપડરોડ પર પાસે મોડી રાત્રે કારમાં દારૂની બે બોટલો સાથે ઝડપી પાડનાર માંજલપુર પોલીસ મથકના પોકો રમેશ ગલસરે કેસ નહી કરવા માટે ૨૦ હજારનો તોડ કર્યો હતો અને ઈજનેરની નજર ચુકવીને કારમાંથી ૯૮ હજારની મત્તા પણ કાઢી લીધી હતી. દરમિયાન ઉદેપુર પહોંચેલા ઈજનેરને કારમાંથી ગુમ થયેલી મત્તા પાછી આપી દેવા વારંવાર વિનંતી કરી હતી પરંતું પો.કો. ગલસરે મચક નહી આપતા આ સમગ્ર બનાવની કન્સલ્ટન્ટ યુવકે શહેર પોલીસ કમિશ્નરને ઈમેલથી જાણ કરી હતી. આ ગંભીર આક્ષેપોની એસીપી કક્ષાએ તપાસ શરૂ કરાઈ હતી જેમાં તથ્ય જણાતા પોકો રમેશ ગલસર સહિત ચાર આરોપીઓ વિરુધ્ધ માંજલપુર પોલીસ મથકમાં ખંડણી, મદદગારી, દારૂબંધી અને ભ્રષ્ટ્રાચારની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.મુંબઇમાં ભાંડુપરોડ પર નેપ્ચ્યુન લીવીંગ પોઈન્ટ એપાર્ટેમેન્ટમાં રહેતા ૪૨ વર્ષીય અમિતકુમાર અરુણકુમારે આજે બપોરે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું ‘ મુંબઈની આઈયુ લાઈફ સાયન્સ કંપનીમાં કન્સલટન્ટ તરીકે ફરજ બજાવુ છુ અને ગત ૨૦૧૪થી ૨૦૧૭ સુધી વડોદરામાં ભાયલી ખાતે રહેલો છું. મે વડોદરા પોલીસને કરેલા ઈમેલની અરજી બાબતે લખાવુ છું કે ગત ૧૨મી નવેમ્બરના બપોરે ત્રણ વાગે હું મુંબઈથી ઉદેપુર જવા માટે મારી હુન્ડાઈ કાર લઈને એકલા નીકળ્યો હતો. રાત્રે બે વાગે વાગ્યાની આસપાસ તહેવારના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક હોઈ તેમજ મારી મારી તબિયત બગડતા અને ડ્રાઈવીંગ કરીને હું થાકી ગયો હોઈ તેમની તબિયત બગડતા અને ડ્રાઈવીંગ કરીને થાકી ગયો હોઈ મે વડોદરા ખાતે હોટલમાં આરામ કરવાનું નક્કી કર્યું હતું અને રેલવે સ્ટેશન પાસેથી હોટલનું લોકેશન ગુગલ મેપમાં મુકી તેમાં બતાવેલા નકશા પ્રમાણે ગાડી હંકારી હતી. હું ચાપડ ગામ થઈ આગળના રોડ પર આવતા મને સ્કોર્પિયો કાર જેનો નંબર ૪૪૪૪ હતો તેની પાસે પોલીસ યુનિફોર્મમાં ઉભેલા પોકો રમેશ ગલસર અને એક ખાનગી કપડામાં હતો તે બંનેએ મને રોક્યો હતો અને મારી પુછપરછ કરી ગાડીમાં તપાસ કરી જેમાં ગાડીમાંથી વિદેશી દારૂની બે બોટલો મળી હતી.પોકો રમેશને મે છોડી દેવા વિનંતી કરી હતી પરંતુ તેણે પોલીસ સ્ટેશનમાં ગાડી લઈ લો તેમ જણાવતા તેનો સાગરીત મારી કારમાં બેઠો હતો અને રમેશે તેની સ્કોર્પિયો કારમાં બેસી તેની પાછળ આવવા માટે મને સુચના આપી હતી. ત્યારબાદ તેઓ મને સુમસામ રોડ પર લઈ ગયા હતા જયાં સ્કોર્પિયો કારમાંથી અન્ય બે માણસોએ કારમાં મારી સુટકેશ ચેક કરી હતી જેમાં દારૂની ખાલી ચાર બોટલો, ચોકલેટ, ચા વિગેરી ગીફ્ટની વસ્તુઓ હતી. તેઓએ મને કેસ થતા ત્રણ દિવસ પોલીસ મથકમાં રહેવુ પડશે તેમ જણાવી પોલીસ કેસથી બચવા માટે ૨૦ હજારની માગણી કરી હતી. મારા પાકિટમાં ૨૦ હજાર રોકડા ન હોઈ રમેશ ગલસરે તેના સાગરીતને મારી સાથે મોકલ્યો હતો અને મે મારા ડેબીટ કાર્ડથી ૧૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ નાણાં નહી ઉપાડી શકતા ગલસરે તેના એક ઓળખીતના બેન્ક એકાઉન્ટમાં ૧૦ હજાર ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું પરંતું નાણાં ટ્રાન્સફર નહી થઈ શકતા મે ક્રેડીટ કાર્ડથી ૧૦ હજાર ઉપાડીને આપ્યા હતા. ત્યારબાદ ગલસરે મારી કારમાંથી સોફ્ટ ડ્રીંકની બોટલો અને વિદેશી દારૂની બે બોટલો લઈ લીધી અને આ બધી માથાકુટમાં સવારે સાડા પાંચ વાગે વાગતા હું સીધો ઉદેપુર રવાના થયો હતો. 

૧૪મી તારીખના બપોરે હું ઉદેપુર પહોંચતા મને જાણ થઈ હતી કે મારી ૪૦ હજારની એક એપલવોચ, ૪૦ હજારનો એક ગુગલ પીક્સલ ફોન અને ઈમરજન્સી માટે ગાડીમાં મુકેલા રોકડા ૧૮ હજાર ગુમ છે. મારી એપલવોચ મારા બીજા આઈ ફોન સાથે કનેક્ટ હોઈ તેનું લોકેશન ચેક કરતા તે ચાપડ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બતાવ્યું હતું જેથી મારી ગાડીમાં ચેક કરતી વખતી આ તમામ ચીજાે કાઢી લીધાની મને જાણ થઈ હતી. મે માંજલપુર પોલીસમથકમાંથી પોકો રમેશ ગલસરનો ફોન નંબર લઈ તેનો સંપર્ક કર્યો હતો જેમાં રમેશે મારો ફોન કાપી વોટ્‌સએપ કોલીંગથી વાત કરી અને મારી કારમાંથી ચોરાયેલી વસ્તુઓ તેના માણસો ચોરી ના કરે તેમ કહી ફોન કટ કર્યો હતો અને મને રૂબરુ મળવા જણાવ્યું હતું. ઉદેપુરથી મુંબઈ જતી વખતે હું ગત ૧૮મી નવેમ્બરે હાઈવે પર કાન્હા બિલ્ડીંગ છે ત્યાં રમેશને મળ્યો હતો જેમાં રમેશ મને એક ફ્લેટમાં લઈ ગયો હતો તેણે મે કે મારા માણસોએ કોઈ વસ્તુ લીધી નથી તેમ જણાવ્યું હતું. મે પોલીસ ફરિયાદનુંક હેતા તેણે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યા કરો તેમ કહેતા હું મુંબઈ નીકળ્યો હતો અને આ અંગેની શહેર પોલીસ કમિ.ને ઈમેલથી જાણ કરી હતી. ’ આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે પોકો રમેશ ગલસર અને તેના ત્રણ સાગરીતો વિરુધ્ધ પ્રોહીબીશનનો કેસ નહી કરવા માટે ૨૦ હજારનો તોડ અને માલમત્તા પડાવી લઈ ૯૮ હજારની ખંડણી લેવાનો, દારૂની બે બોટલો પડાવી લેવા બદલ પ્રોહીબીશન તેમજ તોડ પાડવા બદલ ભ્રષ્ટાચાર અને એકબીજાને મદદગારી કરવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ખુદ ખંડણી અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાતા શહેર પોલીસની આબરુના વધુ એક વખત લીરેલીરા ઉડ્યા છે.

રમેશે લૉકડાઉનમાં પણ જીઆઇડીસીમાં ૧ લાખનો તોડ કરેલો

અગાઉ બાપોદ પોલીસ મથકમાં વહીવટદાર રહી ચુકેલો રમેશ ગલસરે ભ્રષ્ટાચારની તમામ સીમા વટાવી હતી અને આખરે તેનું પાપ છાપરે ચઢી પોકાર્યુ છે. મળતી વિગતો મુજબ થોડાક સમય અગાઉ લોકડાઉનમાં મકરપુરા જીઆઈડીસીમાં આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન કરતી કંપની પાસે કંપની સંચાલક સહિત ચાર જણા નશો કરેલી હાલતમાં રમેશે ઝડપી પાડ્યા હતા. જાેકે તેણે તેઓને કેસ કરવાની ધમકી આપી હતી અને બીજાદિવસે તે સંચાલકના ઘરે જઈને એક લાખનો તોડ કર્યો હતો જે વિગતોએ પણ ભારે ચર્ચા જગાડી હતી.

ખાનગી કારમાં ફરતા રમેશની ડ્યૂટી ચાપડ પાસે નહોતી

ખંડણી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો રમેશ ગલસર પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં દસ લાખથી વધુની કિંમતની પોતાની અંગત સ્કોર્પિયો કાર લઈને જ ફરતો હતો. ૧૨મી તારીખના રાત્રે તેની ડ્યુટી ચાપડ પાસે નહોંતી છતા પણ તે યુનિફોર્મ પહેરીને તોડ કરવા માટે તેના સાગરીતોને લઈને શિકારની શોધમાં ચાપડ પાસે ઉભો રહ્યો હતો અને મુંબઈનો રહીશ દારૂની બોટલ સાથે ઝડપાતા જ તેણે ૧.૨૦ લાખથી વધુની મત્તા ખંડણી પેટે પડાવી લીધી હતી.

રમેશ ગલસર ઝડપાતાં ત્રણ સાગરિતોની તપાસ

આ બનાવની જી ડિવિઝનના એસીપી પી.આર. રાઠોડને તપાસ સોંપાઈ છે અને તેના આધારે પોલીસે આજે રમેશ ગલસરની આજે અટકાયત કરી તેના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે. કાલે રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરાશે અને તેને ખંડણી સહિતના ગુનામાં મદદગારી કરનાર કથિત અન્ય પોલીસ જવાન સહિતની ત્રિપુટીની પણ ઓળખ છતી કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.