16, મે 2025
વડોદરા |
50688 |
પાદરા તાલુકાના તાજપુરા ગામના દંપતીને ૩૫ ગીર ગાયોના લાલનપાલન અને દૂધ ઉત્પાદનથી માસિક રૂ. ૩ લાખની કમાણી
ગીર ગાયનું ગોબર અને ગૌમૂત્ર માત્ર પરંપરાગત ઉપયોગો માટે જ નહીં, પરંતુ આધુનિક ઉદ્યોગો અને પર્યાવરણીય ટકાઉપણા માટે ખૂબ જ અગત્યનું છે. આ બંનેનો ઉપયોગ જૈવિક ખેતી, આયુર્વેદ, ધાર્મિક વિધિઓ, અને ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોમાં થઈ રહ્યો છે, જે ગૌશાળાઓ અને ખેડૂતો માટે આર્થિક તકો ઉભી કરી સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ગીર ગાયના આ ઉત્પાદનોનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન, અને ટકાઉ વિકાસનો અનોખો સંગમ છે. ગીર ગાયના સંરક્ષણ અને ઉત્પાદનોના પ્રચાર દ્વારા વડોદરા જિલ્લાના પાદરા નજીક તાજપુરા ગામનું દંપતી પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને મજબૂત કરી રહ્યું છે.

ગોબર અને ગૌ મૂત્રમાંથી ૧૮ જેટલી મૂલ્યવર્ધન વસ્તુઓ બનાવીને તેના વેચાણમાંથી આર્થિક અર્થોપાર્જન
આ દંપતીએ માત્ર ત્રણ ગીર ગાયથી શરૂઆત કરેલ આજે ગીર ગૌ વંશની ૩૫ ગાય અને ૨૫ જેટલી વાછરડીઓ તેમની ગૌશાળામાં છે. તાજપુરા ગામમાં બિરજુ પટેલ અને સિદ્ધિ પટેલ પોતાની જશોદા ગીર ગૌશાળા ચલાવી રહ્યા છે.
સિદ્ધિ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું કે,તેઓ દરરોજ વાછરડીઓને પીવડાવ્યા બાદ વધતું ૧૧૦ લીટર જેટલું દૂધ વડોદરામાં તેમના ગ્રાહકોને ઘરબેઠા પૂરું પાડે છે.જેમાંથી તેઓ દર મહિને અંદાજે રૂ.ત્રણ લાખની કમાણી કરી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ગીર ગાયના ગોબર અને ગૌ મૂત્રમાંથી મૂલ્યવર્ધન કરીને વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે જેમાંથી પણ આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.

લક્ષ્મીજી, શ્રી, લાભુ,લલિતા, લાખી, લાવણ્ય, સુભદ્રા,ગંગા,ગૌરી, તેજશ્રી, લતા, મંગલા, ગીતા, સીતા આ તેમની ગૌશાળાની ગીર ગાયોના નામ છે. આ દંપતી ગીર ગાયના ગોબર અને ગૌ મૂત્રમાંથી પંચગવ્ય નસ્ય ધૃત , પીડાતક તેલ, શુદ્ધ ઘી, ધૂપ કપ, ધુપ સ્ટીક, ધૂપબત્તી, ગોમય દિપક, મોબાઇલ સ્ટેન્ડ, એન્ટી રેડિએટિવ મોબાઇલ ચિપ, ગોળ કંડા, અગ્નિહોત્ર ભસ્મ, ગોનાઈલ, દંત મંજન, ગૌમય ચરણ વિશ્રામિકા, ગોબર માળા, અગ્નિહોત્ર કંડા, જૈવિક ખાતર, પ્રાકૃતિક સાબુ, ગૌ ધૃત બામ વગેરે વસ્તુઓ બનાવી વેચે છે. ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રથી બનતી વસ્તુઓનું વેચાણ આ દંપતી માટે વધારાની આવકનો સ્ત્રોત બન્યું છે.

બિરજુ પટેલ અને સિદ્ધિ પટેલ ગૌ પાલન સાથે ગૌ સંવર્ધનનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે. ગોબર અને ગૌ મૂત્રમાંથી ૧૮ જેટલી મૂલ્યવર્ધન વસ્તુઓ બનાવીને તેના વેચાણમાંથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તેઓ પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન વિવિધ દૂધમંડળીઓ ઉપરાંત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ કરે છે. બિરજુ પટેલે જણાવ્યું હતું કે, ગૌ શાળામાં ગીર ગાયોને વિવિધ ૩૬ પ્રકારની ઔષધિયુક્ત આહાર આપવામાં આવે છે. જેથી ગાયોમાં બીમારી આવતી નથી. આ ઉપરાંત ગાયો માટે લીલા ઘાસચારો પણ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવે છે.

ગાયોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સમયાંતરે ગમાણમાં કડવો લીમડો અને સિંધવ મીઠાના ગઠ્ઠા મૂકવામાં આવે છે. જેને કારણે કુદરતી રીતે ડીવોર્મિંગ થાય છે. આ દંપતીની સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વાર તેઓને શ્રેષ્ઠ પશુપાલક અને બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તાજપુરાનું આ દંપતી શ્રેષ્ઠ પશુપાલન દ્વારા આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુપાલન થકી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.