લોકસત્તા ડેસ્ક

ભારત એક એવો દેશ છે જયાં 12 ગાવે બોલી બદલાઈ છે. અહીંની રહેણીકરણી બદલાય છે, રિવાજો પણ બદલાય છે અને ખોરાક સાથે તેનો ચટકો પણ બદલાય છે. દરેક પ્રાંત પ્રમાણે લોકોના ફૂડના ટેસ્ટ જુદાં હોય છે, ક્યાંક વધારે તીખું, તો ક્યાંક વધારે મીંઠું, ક્યાંક ખાવાનું સુકુ મળે છે, તો ક્યાંક રસ્સાદાર. આમ પણ જોવા જઇએ માણસ ખાવા માટે તો કમાય છે, પણ ભારતમાં એક એવી વાનગી છે, જેના ફક્ત નામ બદલાય છે, પણ ટેસ્ટ નહીં. અને એ છે પાણીપુરી. નામ સાંભળતાની સાથે મોઢામાં પાણી આવી જાય અને જ્યારે ખાવા જઇએ ત્યારે પેટ ભરાય, પણ ખાવાનું મન થયા કે રાખે! એવી પાણાપુરી ક્યાંથી આવી? એ વિશે આપણે ક્યારેય પણ વિચાર્યુ નથી. આ લોકડાઉનમાં પાણીપુરીની રંગત ફિક્કી પડી ગઈ છે તો ચાલો આપણે પાણીપુરીના ઇતિહાસ વિશે જાણીએ.આ ચટાકેદાર વાનગી આવી ક્યાંથી? કોણે આને પહેલીવાર બનાવી?

પાણીપુરીનો ઇતિહાસ શું છે?

સો પ્રથમવાર પાણીપુરી મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં આવેલો છે. 600 બીસી દરમિયાન રજૂ કરાયેલી પાનીપુરીને મગધના રાજ્યમાં ફુલકી તરીકે ઓણખવામાં આવતી હતી. માનવામાં આવે છે કે પ્રાચીન યુગમાં પાણીપુરી આજની તુલનામાં ઘણી નાની અને કુરકુરી બનતી હતી. જોકે, બીજા એવાં પણ તથ્યો છે, જે મુજબ આજનું આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હિન્દુ-લોકકથા મહાભારતમાં પ્રથમવાર જોવા મળ્યું હતું. પાંડવોની પત્ની દ્રૌપદી દ્વારા સૌ પ્રથમવાર પણીપુરી બનાવવામાં આવી હતી, જ્યારે દ્રોપદીને તેની સાસુ કુંતી દ્વારા એક પડકાર આપવામાં આવ્યો હતો. લોકવાય પ્રમાણે એક સરસ દિવસે કુંતીએ દ્રૌપદીને પડકાર આપ્યો અને તેને થોડું વધેલું બટાકાનું શાક અને થોડા લોટમાંથી જમાવાનું બનાવવાનું કહેવામાં આવ્યું હતું. પાંચ પાંડવ ભાઈઓ સાથે લગ્ન કરનાર દ્રૌપદીએ વધેલા લોટ અને બટાકાના શાકમાંથી નવી અનોખી વાનગી બનાવી, જે તેમની સાસુ કુંતીને એ હદે ભાવી કે એ વાનગીને પણ અમરત્વનો આશીર્વાદ આપ્યો હતો. આ વાનગી આજે આખી દુનિયામાં પાણીપુરીના નામે ઓણખાય છે.

આજની પાણીપુરી:-

મહાભારતના સમયે દ્રોપદીના રસોડામાથી બનેલી પાણીપુરી આજે ભારતના ખુણે ખુણે મળે છે. તમને એવું કોઇ ભાગ્ય જ મળશે જે પાણીપુરી માટે ના પાડે. ઉત્તર ભારતમાં ગોલગપ્પા, તો પશ્વિમના રાજ્યોમાં પાણીપુરી, તો પૂર્વના રાજ્યમાં પુચકા જેવાં કેટલાય નામે ઓણખાતી આ પાણીદાર તીખી-ચટપટ્ટી વાનગી લોકોના દિલમાં રાજ કરી રહી છે. ભલે આખી દુનિયાના જંકફૂડ કે સ્ટ્રીટફૂડ ભારતમાં આવી જાય, પણ પાણીપુરીએ તેનું સ્થાન જાણાવી રાખ્યું છે.

(લેખક:- ઋતા ચૌહાણ)