ઈન્દોર-

સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયાના 36 કલાક પછી આખરે અહીંના જેલ પ્રશાસકોએ વિવાદિત સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને છોડી મૂકવો પડ્યો હતો. સુપ્રીમે આ મતલબનો આદેશ શનિવારે જ આપી દીધો હતો, છતાં દિવસ દરમિયાન જેલ પ્રશાસકોએ એવી રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટની પ્રમાણિત કોપી ન મળે ત્યાં સુધી તેને છોડી શકાય નહીં.

મુનવ્વર ફારૂકીને મધ્યરાત્રી બાદ છોડવામાં આવ્યો હોવાનું આખરે મધ્યપ્રદેશના જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ભંગારેએ સ્વીકારી લીધું હતું. આ પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, શહેર પોલીસના વાહનમાં તેને રાત્રે 11 વાગ્યે છોડી મૂકાયો હતો અને તે બાબતે સીસીટીવી ફૂટેજનો પૂરાવો તેમની પાસે હતો. છતાં જેલની બહાર ઊભા રહેલા મિડિયાના માણસોએ રાત્રે સાડાબાર સુધી આવું કોઈ વાહન જતું જોયું નહોતું અને તેને પગલે તેને બીજા કોઈ દરવાજેથી રવાના કરાયો હોય એવી ધારણા પ્રબળ બની હતી. શનિવારે ફારૂકીના વકીલોએ સુપ્રીમ દ્વારા અપાયેલા જામીન ઓર્ડરને રજૂ કર્યો હતો. 

જેલના દરવાજે કલાકો સુધી રાહ જોનારા ફારૂકીના સ્વજનોએ કહ્યું હતું કે અમારા સ્વજનોને ઘણું દુઃખ પહોંચ્યું છે. મુનવ્વરે 35 દિવસ જેલમાં વીતાવ્યા છે. છતાં તેમણે તેની મુક્તિ બાદ ન્યાયતંત્રમાં વિશ્વાસ પ્રગટ કર્યો હતો.