વડોદરા : વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા કલેક્ટરાલયના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ અને હોસ્પિટલોમાં ડ્રાય રન ફોર કોવિદ-૧૯ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા ચારે ચાર ઝોનમાં કામગીરી કરાઈ હતી. જયારે કલેક્ટર કચેરી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રાય રન યોજાઈ હતી. આગામી દિવસોમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર, તબીબોનો મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ અને ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ અને ૮૦ વર્ષથી ઓછી ઉંમરની ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિઓને કોરોનની વેક્સીન આપનાર છે. વડોદરા પાલિકા અને કલેક્ટરાલયના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન સરળ અને અસરકારક તથા સફળ થાય એના માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના સંદર્ભમાં ૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાજ્ય સરકાર દ્વારા પાલિકા અને કલેક્ટર કચેરીને સૂચના આપવામાં આવી હતી. એના ભાગરૂપે પાંચમીના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ ડ્રાય રન ફોર કોવિદ-૧૯ વેક્સિનેશન યોજાયું હતું. જ્યાં સુધી પાલિકાનો સવાલ છે ત્યાં સુધી પાલિકા દ્વારા ચાર ઝોનમાં અલગ અલગ ચાર વેક્સિનેશન સાઈટ પર કોવિદ-૧૯ વેક્સિન ડ્રાય રનનું આયોજન કરાયું હતું. એ પહેલા પાલિકાના આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ગોત્રી મેડિકલ કોલેજ, એસએસજી હોસ્પિટલ, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર તથા એફડીએ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જેઓની નિગરાનીમાં ડ્રાય રણનું આયોજન કરાયું હતું. પાલિકાએ પૂર્વ ઝોનમાં સ્વાદ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં, પશ્ચિમમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ,દક્ષિણમાં માંજલપુર અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને ઉત્તરમાં એમએમજી હોસ્પિટલ ખાતે ડ્રાય રન યોજાઈ હતી. પાલિકાના ડ્રાય રનનુ કમિશ્નર સ્વરૂપ.પી અને ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલે તથા જિલ્લાનું કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી દ્વારા ભાયલી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.