વડોદરા-

ફિલ્મ-સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતીને વડોદરા બોલાવી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કરવાના કેસમાં રાવપુરા પોલીસે બોગસ ડાયરેક્ટર રજનીશ ઉર્ફે રાજ રામદુલાર મિશ્રાને ઝડપી પાડ્યો છે. આ શખસ સોશિયલ મીડિયામાં છોકરીઓના નામે ફેક અકાઉન્ટ બનાવી પોતે મોડેલિંગ અને ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપી અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપતો હતો.

દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રજનીશ ઉર્ફે રાજ મિશ્રાએ મિસ નોર્થ ઈન્ડિયા બનેલી મહિલા સહિત ૮ નામથી સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવીને ૧૦ જેટલી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા, જે અંગે દિલ્હી સાયબર ક્રાઈમમાં પણ રજનીશ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે. રજનીશ મિશ્રા યુવતીઓને કર્મા ફિલ્મ પ્રોડક્શનનો ડાયરેક્ટર હોવાનું જણાવીને ફિલ્મ અને સિરિયલમાં કામ અપાવવાની પણ લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા ખંખેરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે વડોદરાના નવાપુરામાં તે તેના ભાઇના ઘરમાં રહેતો હતો. કોઇ છોકરીને તેના પર ફરિયાદ કરતો ફોન આવે તો તે તેની પત્નીને વાત કરાવતો અને તેની પત્ની આ વાત ખોટી હોવાનું જણાવી માનહાનિ કરવાની યુવતીઓને ધમકી આપતો હતો. આરોપીને એક બાળકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના વતની રજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીનાં નામે અકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજારની ખંડણીની માગણી કરી હતી. દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.