રાજકોટ-

રાજકોટના વાવડીમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલા જાેબવર્કના કારખાનામાં બે શખ્સો પૈસાની ખેંચ દૂર કરવા છેલ્લા દોઢ વર્ષથી જાલી નોટ છાપતા હોવાની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા જાલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપી લીધુ હતું. પોલીસે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની ૨૭ નકલી નોટ કબ્જે કરી હતી. સાથોસાથ બંને કારખાનેદારની પણ ધરપકડ કરી હતી. નકલી નોટ છાપી બંને શખ્સો છૂટક રીતે સાંજના સમયે જ મોટી ઉંમરના ફેરિયાઓને વટાવતા હતા.

મેંદરડાનો વતની અને હાલ રાજકોટ રહેતો પિયુષ બાવનજીભાઇ કોટડીયા અને માણાવદરનો વતની અને હાલ રાજકોટ રહેતો મુકુંદ મનસુખભાઇ છત્રાળા નામના બંને કારખાનેદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કારખાનામાં જાલીનોટો ઉપરાંત વિદેશી દારૂની ૩૬ બોટલ પણ મળી આવતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્યા હતાં

બંને તરફ ઝેરોક્ષ કરવાની હોય શરૂઆતમાં તો સારી નોટો બનતી નહોતી. એ પછી ખૂબ નોટો છાપ્યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થતાં સાંજના સમયે થોડુ અંધારૂ થાય ત્યારે વટાવવાનું શરૂ કર્યુ હતું. ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અત્યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી છે.