અરવલ્લી,મેઘરજ,તા.૨૬ 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના  કંભરોડા ગામમાં ખેડૂતે ખેતીના પાકમાં દવા છંટકાવ કરવા માટે દસ નોજલ પાઇપ ઉપર ફીટ કરી બે પંપ વડે ખેતીમાં દસ જેટલા ચાસમાં એક સાથે દવાનો છંટકાવ કરવાના આ નવા નુસ્ખાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.કંભરોડા ગામે રહેતા અને ખેતીકામ કરતા ચૌહાણ લાલસિંહ જુજારસિંહે ચોમાસુ મગફળીના પાકમાં  નિંદણનાશક દવાનો છંટકાવ કરવા માટે એક અનોખો નુસ્ખો અપનાવ્યો છે. જેમાં દવા છાંટવાના બે પંપમાં ડબલ પ્રેસર મોટરો નાખી અને એલ્યુમીનીયમની પંદર ફુટ લાંબી પાઇપ ઉપર દસ જેટલી નોજલ સેટ કરીને ઘણા ઓછા ખર્ચમાં એક સાથે દસ જેટલા કોઇપણ પાકના ચાસ ઉપર ફુલ પ્રેસરથી દવાનો છંટકાવ થઇ શકે તેવી નોજલ પાઇપ બનાવી છે. જે ખેતરમાં આખો દિવસ દવાનો છંટકાવ કરવામાં સમય જતો હોય છે તે માત્ર બેથી અઢી કલ્લાકમાં દવાનો છંટકાવ થઇ રહ્યો છે. સાથે સાથે ખેડુતનો સમય તેમજ દવા બન્નેની બચત થાય છે.  આ ખેડૂતના અનોખા અને ઓછા ખર્ચવાળા નુસ્ખાને જોઇ હવે આ ડબલ પંપની પાઇપ ખેડૂતો ઘરે ઘરે બનાવ્યા લાગ્યા છે.