વડોદરા,તા.૩

ગુજરાત રિફાઇનરીના સફાઈ કામદારો અને માળીઓને ત્રણ ત્રણ દશકાથી થઇ રહેલા સતત અન્યાય અને વિવિધ પ્રશ્નોને લઇને તેઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રીફાઇનરીના કોન્ટ્રાકટ પરના કામદારો દ્વારા ઉપવાસ આંદોલન શરુ કરાયું છે. ગુજરાત હાઈકોર્ટ સહિતના કોર્ટના આદેશોનું પાલન કરવામાં મેનેજમેન્ટના અખાડાને લઈને આંદોલન છેડવામાં આવ્યું હોવાનું આંદોલનકારી યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષતી જવાહરનગરની ગુજરાત રીફાઇનરી ખાતે ફરજ બજાવતા સફાઈ અને મળી કામના કામદારોને ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગત તારીખ ૧૭/૦૪/૯૬ના રોજ નવી દિલ્હીના સેન્ટ્રલ ચીફ લેબર કમિશ્નર તરફથી સમાન કામ સમાન વેતનનો હુકમ કરવામાં આવેલોં છે. એનો અમલ કરાતો નથી. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા અલગ અલગ બેચ દ્વારા વખતો વખત વિવિધ ઓર્ડરો પણ કરવામાં આવ્યા છે. એનીઓ પણ અમલ ગુજરાત રિફાઇનરીની મેનેજમેન્ટ દ્વારા કરાતો નથી. જુલાઈ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એચએલગોખલે તથા મદન બી.લોકર દ્વારા વચગાળાની રાહતનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ એ પણ રીફાઇનરી મેનેજમેન્ટ દ્વારા નવ માસ બાદ બંધ કરવામાં આવી હતી. આજ વર્ષના ડિસેમ્બરમાં હાઇકોર્ટ દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાંએ બાબતે કરાયેલ ઓર્ડરનો પણ અમલ કરાયો નથી. આ સંદર્ભમાં કામદારો દ્વારા અવારનવાર હડતાલો પાડવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આમરણાંત ઉપવાસ શરુ કરાયા છે.