અમદાવાદ, મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. ઘરમાંથી દુર્ગધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી ત્યારે પોલીસે ઘર ખોલી તપાસ કરી તો મહિલા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે ખોખરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મણિનગર ગોરની કુવાની કેનાલ પાસે આવેલ કર્મભુમિ રો હાઉસના મકાનમાં રહેતા ૩૪ વર્ષીય મનીષા વિજયસિંહ ચૌહાણ નામની પોલીસ કોન્સ્ટેબલે છેલ્લા ૩ દિવસથી ઘરની બહાર નિકળી ન હતી. એટલું જ નહીં તેમના ઘરમાંથી અસહ્ય દુર્ગંધ મારતી હતી. જેથી આસપાસના લોકોએ આ અંગે પોલીસ વિભાગને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દરવાજાે અંદરથી બંધ હાલતમાં હોવાથી દરવાજાે તોડીને તપાસ કરી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે પોલીસ કેન્સ્ટેબલ મનીષા ચૌહાણ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મનીષાના મૃતદેહને પીએમ માટે મોકલી આપી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જાે કે પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું હતું કે, મનીષાએ ત્રણેક દિવસ પહેલા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના પગલે મૃતદેહ સડવા લાગ્યો હતો અને અસહ્ય દુર્ગંધ મારતી હતી. તો બીજી બાજુ આપઘાત પાછળના કારણની પણ તપાસ હાથધરવામાં આવી હતી. જાે કે પોલીસની તપાસમાં એસઆરપીના એક કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણના આ કારણે આ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક તબ્બકે ચર્ચા ચાલી રહી છે.