વડોદરા, તા.૨૪

શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં આગે વહેલી સવારના ચાર વાગે બાજુમાં આવેલી અગરબત્તીના કારખાનાને પણ ઝપેટમાં લીધું હતું. અગરબત્તીના બનાવટમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મેજરકોલ જાહેર કરાયો હતો ૧પ જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ૧૦ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. મોડી રાત્રે કંપનીમાં પુનઃઆગની જવાળાઓ દેખાતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

મકરપુરા જીઆઈડીસીમાં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે ૧૫ ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા ન હતા. જાે કે ૧૦ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જાેઈ મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરના તમામ ફાયર સ્ટેશનોમાંથી ૧૫ ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ૩૫ જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.મકરપુરા જીઆઇડીસીમાં આવેલ ૭૩૦ નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનિયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જે આગ પ્રસરીને બાજુમાં આવેલી અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્‌સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાને કારણે આગે જાેતજાેતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં દોડધામ સાથે ચકચાર મચી ગઇ હતી. આગના બનાવની જાણ જીઇબીને કરવામાં આવતાં જીઇબીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી જઇ આગની કામગીરીમાં જાેડાયો હતો.

જીઆઈડીસીમાં વહેલી સવારે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા આગને બુઝાવવા માટે સતત પાણી મારો અને ફમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એ સાથે ફાયરબ્રિગેડ દ્વારા અત્યાધુનિક ઉપકરણોની પણ મદદ લઈને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યાર બાદ ૧૦ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

કંપનીની આગ જાેઈ મહિલા કર્મચારીઓએ પોક મુકી

વડોદરા, તા.૨૪

શહેરના મકરપુરા જીઆઈડીસીની અગરબત્તી બનાવતી એક કંપનીમાં લાગેલી આગ જાેઈ મહિલા કામદારો ચોંધાર આંસુએ રડી પડી હતી. લૉકડાઉન દરમિયાન ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતા, જેના કારણે જીઆઈડીસીમાં અનેક કંપનીઓ પણ બંધ થતાં મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા હતા. પરંતુ અગરબત્તી બનાવની એક કંપનીમાં મહિલા કર્મચારીઓને કામે રાખવામાં આવતાં અનેક પરિવારોનું ગુજરાન ચાલતું હતું. વહેલી સવારે શિફટ મુજબ કંપની ઉપર આવી પહોંચેલી મહિલા કામદારો સળગતા કારખાનાને જાેઈને સ્તબ્ધ થઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં મહિલા કામદારોએ ચોંધાર આંસુએ રડતાં રડતાં હવે ઘરના પરિવારનું ગુજરાન ચલાવવું કેવી રીતે? એમ બોલતાં બોલતાં સ્વજન ગુમાવ્યા હોય એવી પોક મુકી હતી, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીના માલિક સંજયભાઈ છે. આગના બનાવની જાણ થતાં તેઓ ગણતરીની મિનિટોમાં આવી પહોંચ્યા હતા. કંપનીમાં ૪૦ જેટલી મહિલાઓ કામ કરતી હતી અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતા હતા. સવારે ૯ કલાકે મહિલાઓ નોકરી ઉપર હાજર થવાના સમયે આવી પહોંચી હતી. કંપની ઉપર આવી પહોંચેલી મહિલાઓએ કંપનીને ભડભડ સળગતી જાેતાં જ સ્તબ્ધ થઈ ગઈ હતી અને કેટલીક મહિલાઓએ મોક મુકીને રડવાનું શરૂ કરી દીધું હતું.