વડોદરા, તા.૧૦

શહેરના જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આવેલ ઈલેકટ્રોનિક વસ્તુઓનો શો-રૂમ સેલ્સ કોર્નરમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાંચ ફાયર ફાઈટરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ

મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આવેલ રાધાદયા કોમ્પલેક્સમાં સેલ્સ કોર્નર શો-રૂમમાં એકાએક આગ લાગતાં શો-રૂમના કર્મચારીઓ અને કોમ્પલેક્સની અન્ય ઓફિસોના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી આવ્યા હતા, પરંતુ આગ વિકરાળ બનતાં શો-રૂમમાં ધુમાડાના ગોટેગોટા હોઈ અંદર જવાનું મુશ્કેલ હોવાથી પ્રથમ ધુમાડો બહાર કાઢવાની કામગીરી બાદ આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ચારથી પાંચ ફાયર ફાઈટરોના ઉપયોગથી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગમાં લાખોની કિંમતના ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. શો-રૂમના વહીવટકર્તાઓ દ્વારા શો-રૂમની પાસે રોડ પર બીએસએનએલ દ્વારા તેમનું બોકક્સ ખસેડવાની કામગીરી ચાલી રહી હતી જેમાં જેસીબી મશીનથી ખાદકામની કામગીરી દરમિયાન અચાનક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં ઈલેકટ્રોનિક શો-રૂમ અને નજીકની રેસ્ટોરન્ટમાં લાઈટો ગુલ થયા બાદ શો-રૂમમાં આગ લાગી હોવાનો આક્ષેપ કર્યો હતો અને શોર્ટ સર્કિટ બાદ બીએસએનએલ દ્વારા કામગીરી કરતી વ્યક્તિઓ સ્થળ પરથી રવાના થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.