વડોદરા, તા.૨૭ 

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વિતેલા ૨૪ કલાકમાં કરફ્યૂ ભંગ તથા માસ્ક ફરજિયાત પહેરવાના જાહેરનામાના ભંગ બદલ ૨ ગુના નોંધી ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તદ્‌ઉપરાંત રૂા.૧૦.૯૫ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ વર્તુળમાંથી પ્રાપ્ત વિગત અનુસાર હાલ કોરોનાની વૈશ્વિક મહામારી તથા કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે પોલીસતંત્ર તથા સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા તમામ પ્રકારની સાવચેતી તેમજ તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે, જેના ભાગરૂપે પોલીસતંત્ર દ્વારા રાત્રિ કરફ્યૂ શહેરમાં લાદવામાં આવ્યો છે, સાથે સાથે માસ્ક ફરજિયાત પહેરવાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાનૂની ભંગ બદલ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે રાત્રે કરફ્યૂ ભંગ અને માસ્ક વ્યવસ્થિત ન પહેરનાર વ્યક્તિઓ સામે પોલીસે વિતેલા ૨૪ કલાક દરમિયાન કરફ્યૂ ભંગના ૨ ગુના સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦૯૫ વ્યક્તિઓ સામે માસ્ક વ્યવસ્થિત ન પહેરવા મામલે રૂા.૧૦.૯૫ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન રોજબરોજ પોલીસ અને લોકો વચ્ચે દંડ વસૂલવા મામલે રકઝક તથા માથાકૂટના બનાવો પણ બની રહ્યા છે.