નડિયાદ, તા.૪ 

ખેડા જિલ્‍લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને તેની સામે કાળજી રાખવા રાજ્ય સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ માસ્‍ક પહેરવું ફરજિયાત છે. જાહેરમાં થૂંકવું ગુનો બને છે. આ બંને હેઠળ ખેડા જિલ્લામાં માત્ર દોઢ મહિનામાં ૭૫ હજારથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દોઢ કરોડથી વધારેની રકમ દંડ તરીકે વસૂલ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ અવાર નવાર વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, કોરોના વાઇરસને પેલાતો અટકાવવા માટે જાહેરમાં માસ્ક પહેરવું પરજિયાત છે. આ ઉપરાંત જાહેર સ્થળો પર થૂંકવું ગુનો બને છે. આમ છતાં ઘણાં લોકો હજુ આ ગાઇડલાઇન્સ ફોલો કરતાં નથી. માસ્ક વગર ઘરની બહાર નીકળતાં લોકોને ઝડપવા માટે ખેડા જિલ્લા પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે. જિલ્‍લા પોલીસ તંત્રના જણાવ્‍યાંનુસાર ખેડા જિલ્‍લામાં તા.૧૫ જૂનથી તા.૩૧ જુલાઈ સુધીમાં કુલ ૭૫,૦૫૦ નાગરિકો પાસેથી દંડ પેટે રૂ.૧,૫૦,૧૦,૦૦૦ની રકમ વસૂલવામાં આવી છે. જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ અને જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર દ્વારા જિલ્‍લાની જનતાને કોરોના સંક્રમણથી બચાવવા માસ્‍ક પહેરીને બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્‍લામાં આરોગ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે પ્રજાજનો જાગૃત થાય અને માસ્‍ક પહેરે તે માટે જિલ્‍લા પોલીસ દ્વારા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ માટે જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્રના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા દંડની ખાસ ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ માસ્‍ક નહિ પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર નાગરિકોને પોલીસ દ્વારા દંડિત કરવામાં આવી રહ્યાં છે. જિલ્‍લાભરમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશના કારણે નાગરિકો જાગૃત થવા લાગ્‍યાં છે. પરિણામે માસ્‍ક પહેરતાં થયાં છે. મોંઢું ઢાંકીને વાઇરસથી પોતાની જાતનો બચાવ કરવા લાગ્‍યા છે. ખેડા જિલ્‍લામાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે વહિવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીમાં વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે. જિલ્‍લા કલેક્ટર અને જિલ્‍લા પોલીસ વડાએ ખેડા જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરી છે કે, સરકારી નિયમોનું ચૂસ્‍તપણે પાલન કરો, માસ્‍ક પહેરો, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો, જેથી નાગરિકો પોતાનું અને તેમનાં કુટુંબનું આ મહામારીની સામે સરળતાથી રક્ષણ મેળવી શકે. બધા સાથે મળીને ડિસિપ્લિનમાં રહીશું તો કોરોના સામેની જંગમાં જીત ચોક્કસ આપણી થશે.