વડોદરા, તા.૭ 

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વિતેલા છેલ્લા ૨૪ કલાકમાં કરફ્યૂ ભંગ તથા માસ્ક ફરજિયાત પહેરવાના જાહેરનામાના ભંગ બદલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે જાહેરનામાના ભંગ બદલ રૂા.૫.૪૬ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ વર્તુળમાંથી પ્રાપ્ત વિગત અનુસાર હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો ફેલાવો અટકાવવા માટે પોલીસતંત્ર તથા સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા તમામ પ્રકારની સાવચેતી તેમજ તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે, જેના ભાગરૂપે પોલીસતંત્ર દ્વારા રાત્રિ કરફ્યૂ શહેરમાં લાદવામાં આવ્યો છે, સાથે સાથે માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે શહેરમાં રાત્રિના કરફયૂના સમયે અનેક લોકો રોડ-રસ્તાઓ ઉપર ટહેલવા માટે નીકળી પડે છે અને માસ્ક પણ પહેરતા નથી. જાે પહેરે છે તો વ્યવસ્થિત પહેરતા નથી. તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ જાહેરનામાના ભંગ બદલ લોકો સામે કાનૂની કાર્યવાહી સાથે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે રાત્રે કરફ્યૂ ભંગ અને માસ્ક વ્યવસ્થિત ન પહેરનાર તેમજ કામ વગર કરફયૂના સમયે રોડ-રસ્તાઓ ઉપર બહાર ટહેલવા માટે નીકળી પડતા લોકો સામે પોલીસે વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરફ્યૂ ભંગ બદલ એક ગુનો નોંધાયો હતો, જ્યારે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૫૪૬ લોકો સામે માસ્ક વ્યવસ્થિત ન પહેરવા મામલે રૂા.૫.૪૬ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન રોજબરોજ પોલીસ અને લોકો વચ્ચે દંડ વસૂલવા મામલે રકઝક તથા માથાકૂટના બનાવો પણ બની રહ્યા છે.