અમદાવાદ, શહેરના કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસે આવેલ અંકુર સ્કુલમાં શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથધરી હતી. બીજી બાજુ આગમાં ફસાયેલા ૩ મજુરોને ફાયરબ્રિગેડે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા. ફાયરબ્રિગેડની ૪ કલાકની જહેમતભરી કામગીરી બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી.

શહેરના કૃષ્ણનગરમાં આવેલ અંકુર સ્કૂલમાં શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. જાે કે આગ એટલી વિકરાળ હતી કે સ્કુલમાં માત્ર ધૂમાળા ધૂમાળા જ દેખાઈ રહ્યા હતા. બીજી બાજુ આસપાસના લોકો ને આગની જાણ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને આગની જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા તજવીજ હાથધરવામાં આવી હતી. બીજી બાજુ આગ જાેવા માટે લોકોના ટોળા ઉમટી પડતા સ્થાનિક પોલીસે લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. આગ એટલી વિશાળ હતી કે, નરોડા અને કૃષ્ણનગર ફ્રાયર સ્ટેશનને જાણ કરીને ફાયરબ્રિગેડના કર્મચારીઓને ઘટનના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. આગ પર પાણીનો મારો મારવાનું શરૂ કરી દીધુ હતુ. બીજી બાજુ લોકોનું કહેવુ એવુ હતુ કે, કેટલાક લોકો સ્કૂલના ધાબા પર આગથી બચવા માટે ભાગી ગયા છે. તો બીજી બાજુ વિદ્યાર્થીઓ બચવા માટે ધાબે હોવાનું લોકો જણાવી રહ્યા હતા. જેના પગલે ફાયરબ્રિગેડની ટીમે ધાબા પર રહેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યુ હતુ.

શહેરમાં આગના અન્ય બે બનાવો પણ બન્યા

એસજી હાઈવે પર રાજપથ કલબની સામે ના બાલેશ્વર કોમ્પ્લેક્સની એક ઓફીસમાં પણ વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડે ૫ લોકોને રેસ્કયુ કરીને બચાવ્યા હતા. જ્યારે આગની ગભરાઈને દિનેશભાઈ નામના એક શખ્સે પહેલા માળે તેની ઓફીસથી કુદકો મારી દીધો હતો. જેથી તેને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જમાલપુરના સુબ્હાખાનની ચાલીમાં પણ આગ લાગી હતી. જાે કે ફાયરબ્રિગેડને આગનો કોલ મળતા એક કલાકમાંજ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.