વડોદરા, તા.૨૦

શહેરના નાગરવાડા ઘીકાંટા રોડ પર મુખ્ય માર્ગ પર આગની જ્વાળાઓ નીકળતાં સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. ગેસની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ ફાટી નીકળતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. ગેસ વિભાગે પુરવઠો બંધ કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી. જાે કે, આગને પગલે વિસ્તારમાં ત્રણ કલાક ગેસ પુરવઠો ખોરવાયો હતો. સ્થાનિકોના કહેવા મુજબ ગત રાત્રે ખાનગી કંપનીના કેબલ નાખવાની કામગીરીને પગલે ગેસલાઈનમાં લીકેજ સર્જાયું હતું. શહેરના નાગરવાડા વિસ્તારમાં ઘીકાંટા રોડ પર આવેલા લોખંડવાલા કોમ્પલેક્સમાં કાપડની દુકાન પાસે ગઈકાલે રાત્રે ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ કોન્ટ્રાકટરની નિષ્કાળજીને કારણે આજે ગેસની પાઈનલાઈનમાં લીકેજ સર્જાતાં એકાએક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં નાસભાગના દૃશ્યો સર્જાયાં હતાં. કાપડ સહિતની દુકાનો પાસે જ ગેસલાઈનમાં લીકેજથી આગ લાગતાં વેપારીઓએ તેમની દુકાનના શટર બંધ કરીને બહાર દોડી આવ્યા હતા. આ બનાવની જાણ કરાતાં સ્થળ પર દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં આગ કાબૂમાં આવી ન હતી. જાે કે, પાલિકાના ગેસ વિભાગે ગેસનો પુરવઠો તાત્કાલિક બંધ કરતાં આગ કાબૂમાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગત રાત્રિના ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસલાઈનમાં લીકેજ સર્જાયું હતું. આગની ઘટનાને પગલે પોલીસ વિભાગનો કાફલો પણ દોડી આવ્યો હતો. આગને પગલે ગેસનો પુરવઠો બંધ કરાતાં આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો ત્રણ કલાક ખોરવાયો હતો. અવારનવાર કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસ, ડ્રેનેજ, પાણીની લાઈનો તૂટી જવાના બનાવોમાં આજે વધુ એક બનાવ બન્યો હતો.