સુરત-

સુરતમાં રસ્તા પર જ એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બસના ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે બસમાં બેસેલા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સુરતની મહાવીર કોલેજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસને રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી અને ત્યારબાદ બસમાં સવાર તમામ પેસેન્જરોને નીચે ઉતારી દીધા હતા. જેના કારણે બસના ડ્રાઈવર સહિત 10 પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. સિટી બસ લમાં લાગેલી આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, CNG સિટી બસમાં ભગવાન મહાવીર કોલેજ નજીક આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે બસ કોલેજ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં રહેલી બેટરીમાં અચાનક સ્પાર્ક થયો હતો અને આ સ્પાર્કના કારણે બસમાં આગ લાગવાની ઘટના બની હતી. બસના ડ્રાઈવરે બસને તાત્કાલિક રસ્તાની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને 10 મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. જેના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા નજીકથી પસાર થઈ રહેલી લાલ કલરની BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. તે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.