વડોદરા

શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ પાસે આવેલ ઠેકરનાથ સ્મશાન નજીકની ઝુંપડપટ્ટીના એક ઝુંપડામાં આજે સવારે આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ કરાતાં પાણીગેટ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના લાશ્કરો તુરંત દોડી ગયા હતા અને આસપાસના ઝુંપડામાં આગ ફેલાય નહીં તેની તકેદારી સાથે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

પાણીગેટ વિસ્તારમાં ઠેકરનાથ સ્મશાન નજીકની ઝુંપડપટ્ટીના એક ઝુંપડામાં આજે સવારે અચાનક આગ લાગી હતી. આગને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ પાણીગેટ ફાયર સ્ટેશનને કરાતાં આગ સમગ્ર ઝુંપડપટ્ટીને લપેટમાં લે તેવી શક્યતાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશનના ૩ ફાયર ફાઈટરો તુરંત રવાના કરાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ઝુંપડામાં રહેલી તિજાેરી, ટીવી સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્‌નસીબે આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી.

આગના બનાવનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટસર્કિટથી લાગી હોય કે ઊંદરે દિવાની વાટ ખેંચી નજીકમાં મુકેલ ગાદલામાં લઈ જતાં આગ લાગી હોવાનું કહેવાય છે. જાે ફાયર બ્રિગેડ સમયસર પહોંચ્યું ન હોત તો આસપાસના અનેક ઝુંપડાં આગની લપેટમાં આવી ગયા હોત. આગને પગલે મોટી સંખ્યામાં લોકટોળાં એકઠાં થઈ ગયાં હતાં. સાંકડી ગલીમાં ઝુંપડામાં લાગેલી આગ બુઝાવવા ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો.