વડોદરા,તા.૪

પાણીગેટ વિસ્તારના બાવચાવાડમાં આવેલી રામગઢ ઝુપડપટ્ટીની એક ઝૂંપડીમાં આજે સાંજના સમયે આગ લાગી હતી. રહસ્યમય સંજોગોમાં લાગેલી આગના પગલે સ્થાનિકોમાં ઉહાપોહ મચી ગયો હતો.

બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ઝુપડપટ્ટીની અંદર જવા માટે પહોળો રસ્તો ન હોવાથી ફાયર એન્જીન અંદર સુધી પહોંચી શક્યુ ન હતું. જોકે, ફાયર બ્રિગેડ પાસે યોગ્ય સરંજામો હાજર હોઈ તેના વડે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ધડાકાભેર લાગેલી આગને કારણે શરૂઆતમાં ગેસનો બોટલ ફાટવાને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

જોકે, ફાયરબ્રિગેડના પ્રાથમિક તારણો અનુસાર, વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.