વડોદરા, તા.૩ 

શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ ટાયરની દુકાન તેમજ નેશનલ હાઇવે દશરથ બ્રીજ પાસે ડમ્પરમાં આગના બનાવો બન્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ તુરંત દોડી જઇને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ઇલોરાપાર્ક નર્મદા ગેસ્ટ હાઉસની સામે નાયરની દુકાનમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને જનરેટરમાં લાગેલી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો. લાશ્કરોએ કેબીનનું શટર તોડીને આગ બુઝાવી હતી.

જ્યારે બપોરના સમયે નેશનલ હાઇવે દશરથ ગામના બ્રિજ પાસે ડમ્પરમાં આગ લાગતા ચાલકે તુરત ડમ્પરને રોડની સાઇમાં ઉરુ કરી ગાડીમાંથી ઉતરી ગયો હતો. ડ્રાઇવરની કેબીનમાંથી ધુમાડા નીકળતા કેટલોક સમય ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઇટર સાથે દોડી ગયેલા લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કમ્પરની ડ્રાઇવર કેબીન બળીને ખાખ થઇ ગયું હતું.