સુરત : શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ રાધા કૃષ્ણ મંદિરના કોન્ફરન્સ રૂમમાં એસી ચાલુ કરવા જતા થયેલ સ્પાર્ક ને કારણે અચાનક લાગેલી આગને પગલે ફાયર ની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિથઇ નથી. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ગેટવે હોટેલ ની બાજુમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં આજે બપોરે સાડા અગિયારેક વાગ્યાના સુમારે બીજા માળે કોન્ફરન્સ રૂમમાં એસી ચાલુ કરવા જતા થયેલ સ્પાર્ક ને કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગે મંદિરનાં ટ્રસ્ટી રમણભાઈ અરોરા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી.જોકે હાલની વર્તમાન પરિસ્થિતિના કારણે મંદિરમાં ભીડ ન હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. મંદિરના બીજા અને ત્રીજા માળે આગ લાગતા તેમાં રહેલું ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હોવાનો મજુરા ફાયરના એસ.ઓ. નિલેશભાઈ દવેએ જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું ન હતું.