વડોદરા : આજે વહેલી સવારે માંજલપુર પોલીસમથકના ટેલિફોન રૂમમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગ લાગતા પોલીસકર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે મળસ્કે ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ માંજલપુર પોલીસમથકના ટેલિફોન રૂમમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા પોલીસમથકના પોલીસકર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા જ આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જીઆઇડીસી ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કોમ્પ્યુટર રૂમ માં રખાયેલ કમ્પ્યુટર, લોગબૂકસ તેમજ ફર્નિચરને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તબક્કે આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી. જોકે, આગના શરૂઆતના સમયમાં જ પોલીસમથકમાં રખાયેલા અગ્નિશામન માટેના સંસાધનોનો ઉપયોગ કરી લેવાયો હોત તો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હોત અને નુકસાન પણ અટકાવી શકાયું હોત.