વડોદરા : વડોદરા શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી એક ૭૫ વર્ષના વૃદ્ધ સહિત ૧૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. આ સાથે આજે વધુ નવા ૧૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ આવતાં કોરોના કુલ દર્દીઓની સંખ્યા ૮,૬૭૩ થઇ હતી. સામે આજે ૧૭૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડેથ કમિટીએ આજે વધુ એક દર્દીને કોરોનામાં ડેથ ડિક્લેર કરતાં કોરોનામાં દર્દીઓની મૃત્યુ ૧૪૯ થઇ હતી. હાલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૧૪૧૫ દર્દીમાં ૧૨૧૬ દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે ૧૪૦ દર્દીઓ ઓક્સિજન તેમજ ૫૯ દર્દીઓ વેન્ટીલેટર પર હોલાનું તબીબ સૂત્રોએ જણાવ્યું હતું. આજે પોઝિટિવ આવેલા દર્દીઓમાં વાઘોડિયા રોડ, પાણીગેટ, આજવા રોડ, સમા, નિઝામપુરા, દંતેશ્વર, હરણી રોડ, વારસિયા, છાણી, નવાપુરા, નાગરવાડા, ગોત્રી-દિવાળીપુરા સહિત ૨૧ વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્યનાં ભાયલી, સેવાસી, પોર, અનગઢ, ખટંબા,ડભોઇ, પાદરા, કરજણ, બોડેલીનો સમાવેશ થયો હતો.  

આજે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી ૨૨૩૦ નેગેટિવ રીપોર્ટ આવ્યા હતા. તદ્‌ઉપરાંત પોઝિટિવ ઝોનમાંથી ૨૬, ઉત્તર ઝોનમાંથી ૨૧, દક્ષિણ ઝોનમાંથી ૧૮ તથા પૂર્વ ઝોનમાંથી ૧૭ દર્દીઓનો સમાવેશ થયો હતો. જ્યારે ડિસ્ચાર્જ આપવામાં આવેલા ૧૭૧ દર્દીઓમાં ૬૬ દર્દીઓને સરકારી હોસ્પિટલ તથા ૬૨ દર્દીઓને ખાનગી હોસ્પિટલ તેમજ ૪૩ દર્દીઓને હોમ ક્વાॅરન્ટાઇનમાંથી મુક્ત કર્યા હતા.

યુનિ.ના વિજિલન્સમાં કોરોનાની એન્ટ્રી

એમ.એસ.યુનિવર્સિટીમાં કામ કરનારા કર્મચારીઓ અને પ્રોફેસરો સહીત અત્યારસુધી સેંકડો લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. તાજેતરમાં યુનિવર્સીટી વિજિલન્સના હેડ પી.પી. કાનાણીના પી.એ. કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સાંપડી છે. જેને લઈને યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા વિજિલન્સ ઓફિસને ૩ દિવસ માટે બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને તેમના સંપર્કમાં આવનાર અન્ય વિજિલન્સના કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

જીએસએફસીમાં વધુ ૭ કર્મચારીઓ પોઝિટિવ ઃ કુલ આંક ૧૨૩ થયો

જી.એસ.એફ.સી. કંપનીના વધુ સાત કર્મચારીઓ કોરોના સંક્રમણ આવતાં કોરોના પોઝિટિવ કર્મચારીઓની સંખ્યા ૧૨૩ થઇ હતી. આજે કોરોના પોઝિટિવ આવેલા જૂના કેપ્રોલેક્ટમ પ્લાન્ટમાં ફરજ બજાવતાં ૫૦ વર્ષના કર્મચારી, જી.એ.ડી. પ્લાન્ટમાં ફરજ બજાવતા ૫૬ વર્ષના કર્મચારી, વર્કશોપના ૩૨ વર્ષીય, સિસ્ટમમાં વિભાગમાં ૩૫, સેફ્ટી ડીપાર્ટમેન્ટમાં ૩૨ વર્ષીય, કેપ્રોલેક્ટમ પ્લાન્ટમાં ૩૫ વર્ષીય તથા સાયન્સ ફાઉન્ડેશનમાં ૪૦ વર્ષીય ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના સંક્રમણમાં આવ્યા હતા. રોજબરોજ વધુને વધુ કર્મચારીઓ કોરોના સંક્રમણમાંઆવતા અન્ય કર્મચારીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે.