વડોદરા, તા.૯ 

સરદારભવનામાં રહેતા હોમગાર્ડના નિવૃત કમાન્ડરના મકાનમાં ચાલતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે દરોડો પાડી નિવૃત કમાન્ડર સહિત નવ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા જયારે શહેર-જિલ્લામાં વિવિધ સ્થળો જામેલી જુગારની મહેફીલો પર પોલીસે દરોડા પાડી રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત લાખોની મત્તા સાથે ૫૩ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

સરદારભવનના ખાંચામાં સચિન ટેલર સામે આવેલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા હોમગાર્ડના નિવૃત કમાન્ડર વનરાજ રામચંદ્ર શિતોળે તેના ઘરમાં આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવતા હોવાની જાણ થતા કારેલીબાગ પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડામાં નિવૃત કમાન્ડર ૫૭ વર્ષીય વનરાજ તેમજ હસમુખ જીતુ વણઝારા, ચિરાગ રાજુ ઠક્કર, જીગર હરેશ ભાવસાર, જીગ્નેશ ચંદ્રકાત મોચી, કમલેશ ચોઈથરામ વાઘવાણી, જયેશ શશીકાંત ઝાપડિયા, મહેશ ગગા રાવળ અને પરેશ અશ્વિન ખત્રી જુગાર રમતા ઝડપાતા પોલીસે તમામ નવની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ અને છ મોબાઈલ ફોન સહિત ૬૭,૨૬૦ની મત્તા જપ્ત કરી હતી. આ ઉપરાંત નંદેસરી પોલીસે અનગઢગામ મામલતદારવાળા ફળિયામાં ખુલ્લામાં જુગાર રમતા અનગઢગામના નવ રહીશોની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડા ૧૯,૨૭૦ કબજે કર્યા હતા. નવાપુરા પોલીસે આઝાદ મેદાનમાં ખુલ્લામાં કુકડીઓ વડે જુગાર રમતા ચારની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ, બે મોબાઈલ ફોન અને એક મોપેડ સહિત ૪૫,૬૯૦ની મત્તા જપ્ત કરી હતી. પાણીગેટ પોલીસે વાઘોડિયા-ડભોઈરીંગરોડ પર માધવનગરના મકાનનંબર ૫૭માં રહેતા સતીષ માછીના મકાનમાં દરોડો પાડી મકાનમાં જુગાર રમતા સતીષ સહિત સાત જુગારિયાઆ પાસેથી ચાર મોબાઈલ અને રોકડ સહિત ૩૨,૮૦૦ની મત્તા કબજે કરી હતી. તેવી જ રીતે પીસીબી પોલીસે વાડીના ખેડકર ફળિયામાં સાંઈરત્ન વિલા એપાર્ટમેન્ટના નીચે જુગાર રમતા ચારની ધરપકડ કરી બે મોબાઈલ સહિત ૨૫,૨૧૦ની મત્તા જપ્ત કરી હતી. વડોદરા તાલુકા પોલીસે શેરખી ગામે પીરોદનગરમાં જાહેરમાં જુગાર રમતા છની રોકડા ૧૧,૧૬૦ સાથે ધરપકડ કરી હતી. તેવી જ રીતે પાદરા પોલીસે ચાણસદ ગામે પંચાલ ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ૬ને રૂા. ૧૦,૯૮૦ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત સાવલી પોલીસે પોઈચા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા આઠને ઝડપી પાડી તેઓની પાસેથી પાંચ મોબાઈલ ફોન, પાંચ ટુવ્હીલરો અને રોકડ સહિત ૧,૧૬,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી દરોડામાં ફરાર થયેલા ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

મ.સ.યુનિ.ના બે પુર્વ વિદ્યાર્થી નેતા સહિત ૧૭ ઝડપાયા

ડીસીબી પોલીસે ફતેગંજના વડિયા એપાર્ટમેન્ટમાં અલ્તાફ પટેલના દરોડો પાડી મ.સ.યુનિ.ના બે પુર્વ વિદ્યાર્થી નેતા અલ્તાફ મહેમુદ પટેલ અને જતીન ભીખાભાઈ પટેલ તેમજ હસનેન નબીઆલમ પઠાણ,અતફાત ફીરોજ પઠાણ અને અનીષ શીવચંદ્ર ઉપાધ્યાયને જુગાર રમતા ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ, પાંચ મોબાઈલ અને બે ટુવ્હીલર સહિત ૧ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી. જયારે માંજલપુર પોલીસે મકરપુરા જીઆઈડીસીમાં મોબાઈલ ફોન ટાવરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧૧ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ અને ૧૦ મોબાઈલ સહિત ૫૮ હજારથી વધુની મત્તા જપ્ત કરી હતી.