વડોદરા : વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ એક ખેતરના કુવામાં ગઈકાલે એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ એનિમલ રેસ્ક્યુ વડોદરાની ટીમને કરવામાં આવી હતી. સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા અંદાજિત કલાકની જહેમત બાદ ૧૧૦ ફુટ ઊંડા કુવામાં ફસાઈ ગયેલા અજગરને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.    

પ્રાપ્ત માહિતી અનુસાર, શિનોર તાલુકાના મીંઢોળ ગામે રોનક્ભાઇ પટેલ નામના વ્યક્તિ ખેતર ધરાવે છે. તેઓના ખેતરમાં આવેલ ૧૧૦ ફુટ ઊંડા કૂવામાં આશરે છ-સાત ફુટનો અજગર જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. અજગરને કુવામાંથી બહાર નીકળવા કે અંદર જવા માટે કોઈ રસ્તો ન હોવા છતાં અજગર ત્યાં કેવી રીતે પહોંચ્યો હશે? તેની વિમાસણ વચ્ચે તેઓએ એનિમલ રેસ્ક્યુ વડોદરા નામની સંસ્થાનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની જાણ થતા એનિમલ રેસ્ક્યુ વડોદરાના ટીમ મેમ્બર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની સાથે મળીને અંદાજિત ત્રણથી ચાર કલાકની જહેમત બાદ અજગરને કુવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢીને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.